Vapi News: વાપી સેશન્સ કોર્ટે 4 વર્ષ જૂના મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પત્નીની હત્યા કરનાર પતિને ફાંસીની સજાનું ફરમાન સંભળાવ્યું છે. પતિએ પત્નીને અન્ય પુરુષ સાથેના સંબંધની શંકાએ ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી. કોર્ટે આ ઘટનાને જઘન્ય અપરાઘ માની આરોપી પતિને મોતની સજા(ફાંસી) ફટકારી છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણ્યો છે કારણ કે નિર્દય પૂર્વક હત્યા કરી પતિ પત્નીનું માથું ઘડથી અલગ કરીને ફળિયામાં ફર્યો હતો.
પત્નીની ક્રૂર રીતે કરી હતી હત્યા
4 વર્ષ પહેલાની વાત છે. વાપીના ડુંગરી ફળિયામાં લક્ષ્મીકાન્ત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્મા તેની પત્ની સાથે રહેતો હતો. નોકરી અર્થે આ પરિવાર વાપીમાં વસ્યો હતો. પતિ અને પત્ની બંને યાદવની ચાલીમાં ભાડાના રૂમમાં વસવાટ કરતાં હતા અને આર્થિક ઉપાર્જન માટે બંને નોકરી કરતાં. પણ આરોપી પતિ પત્ની સાધનાદેવી સાથે અનેક વખત બખેડો કરતો હતો. જેનું મૂળ કારણ લક્ષ્મીકાન્તનો શંકાશીલ સ્વભાવ હતો. તે સતત તેની પત્ની અન્ય પુરુષ સાથે સંબંધ રાખે છે તેવા આરોપ કરી ઘર કકળાટ કરતો હતો.
16 સપ્ટેમ્બર 2021ની એ રાત પત્ની ગાઢ નિદ્રામાં ઊંઘી રહી હતી. શંકામાં સનકી બનેલા પતિએ મોટા છરો લીધો અને એક ઝાટકે પત્નીનું ગળું કાપી માથું ઘડથી અલગ કરી દીધું હતું. બાદમાં આરોપી મઘરાતે જ છરો અને માથું લઈને રૂમની બહાર નીકળ્યો હતો અને ઓળખ ન થાય એ માટે નજીકના મચ્છી માર્કેટ પાસે આવેલા નાળામાં પત્નીનું માથું ફેંકી દીધું હતું. પણ કહેવત છે કે કરેલું પાપ પોકારે, ઘટનાના સમયે ઘરના માલિક જાગી ગયા હતા. તેમણે આરોપીના હાથમાં લોહી ટપકતું માથું અને બીજા હાથમાં છરો જોયો હતો. જેની જાણ તેમણે 100 નંબર કરતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. માથું અને છરો બંને તપાસમાં શોધી કાઢી કબજે લીધા હતા.
આ પણ વાંચો: ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ
IPC કલમ 302 હેઠળ મૃત્યુદંડ
આ ધાતકી હત્યા કેસની છેલ્લા 4 વર્ષની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, આજે વાપી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપી પતિને દોષિત ઠેરવી ફાંસીની સજા આપી છે. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન સરકારી વકીલે આરોપીની સામે સાક્ષીઓ (મકાન માલિક તેમની પત્ની), મેડિકલ પુરાવા (DNA, FSL બંને મેચ થયા હતા), હત્યામાં વપરાયેલો છરો તેમજ અન્ય પુરાવાઓ રજૂ કર્યા હતા. કોર્ટે IPC કલમ 302 હેઠળ મૃત્યુદંડ (ફાંસી) અને 5,000 રૂપિયાના દંડની સજાનું એલાન કર્યું છે. દંડ ન ભરી શકે તો બે વર્ષની સાદી કેદનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત પુરાવા નષ્ટ બદલ IPC કલમ 201 હેઠળ પાંચ વર્ષની સખત કેદ અને 1 હજાર રૂપિયા દંડ અને જો દંડ ભરે તો છ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. વાપી કોર્ટે એક જ બે મહિનામાં બે કેસમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે આ અગાઉ 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.


