Dhurandhar Dialogue Controversy: તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ સંબંધિત ડાયલોગ પર રોક લગાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં કથિત ડાયલોગથી બલોચ સમુદાયની લાગણી દુભાઇ છે.
'ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ કાર્યવાહી કરો'
અરજદાર યાસીન અલ્લારખા બલોચ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફિલ્મમાં વિવાદિત પ્રકારનો ડાયલોગ સામેલ કરવા બદલ ડિરેક્ટર આદિત્ય ધાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષને ફિલ્મની ફરીવાર સમીક્ષા કરવા અને બંધારણીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપે.
'ડાયલોગના પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવો'
આ સાથે જ અરજીમાં તમામ પ્લેટફોર્મ પર વાંધાજનક ડાયલોગ પ્રદર્શન અને પ્રસાર પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ ડાયલોગને ફિલ્મથી દૂર કરવામાં અથવા તેમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ડાયલોગ બંધારણની કલમ 21 હેઠળ જીવન અને ગૌરવના અધિકારનું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે સમગ્ર વંશીય જૂથને સ્વાભાવિક રીતે અવિશ્વસનીય ગણાવે છે, તેવો દાવો અરજદાર તરફથી કરવામાં આવ્યો છે.
'સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન'
અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે વિવાદિત ડાયલોગના સતત પ્રસારણથી પૂર્વગ્રહને અને સામાજિક દુશ્મનાવટને ઉશ્કેરવાનું જોખમ વધી શકે છે, જે જાહેર વ્યવસ્થા અને સાંપ્રદાયિક સંવાદિતા માટે ખતરા સમાન છે.
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ "ધૂરંધર" 5 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અરજદારનો દાવો છે કે બલોચ સમુદાય વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી વિશે તેમને ફિલ્મની રિલીઝ પછી જ ખબર પડી હતી.
કયા ડાયલોગ પર વિવાદ?
'હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.' તાજેતરમાં આદિત્ય ધરના નિર્દેશન હેઠળ રીલીઝ થયેલી 'ધુરંધર' ફિલ્મમાં આ ડાયલોગને લઈ જૂનાગઢ બલોચ મકરાણી સમાજ નારાજ છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્તે એક સંવાદ વખતે આ ડાયલોગ બોલ્યો જેથી બલોચ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. બલોચ સમાજ દ્વારા ખાસ આ ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં બલોચ સમાજે કર્યો હતો વિરોધ
ગુજરાતમાં ફિલ્મ 'ધુરંધર' સામે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેમનું કહેવું હતું કે અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે, ફિલ્મમાં સમાજનું અપમાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ સમાજ
મહત્વનું છે કે બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે ગુજરાતમાં તેમની 8 લાખથી વધુની વસ્તી છે, અને એકલા જૂનાગઢમાં 25 હજારથી વધુ બલોચ સમાજના નાગરિકો વસવાટ કરે છે ત્યારે ફિલ્મી ડાયલોગના કારણે છંછેડાયેલો આ વિવાદનો મધપૂડો આગામી સમાજમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ફિલ્મમાં અસત્યતા દર્શાવાઈ હોવાનો આરોપ
ફિલ્મના એક દ્રશ્યમાં બલોચ પાત્રોને 26/11ના મુંબઈ આતંકી હુમલાની ‘ઉજવણી’ કરતા બતાવાયા છે. બલોચ નેતાઓ અને કાર્યકર્તાઓએ એ ચિત્રણને ઐતિહાસિક રીતે ખોટું અને અન્યાયી ગણાવતાં કહ્યું છે કે, બલોચ સમુદાય પોતે પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા ISI દ્વારા દાયકાઓથી દમન, અપહરણ અને અત્યાચારનો ભોગ બનતો રહ્યો છે. ફિલ્મમાં દેખાડ્યું છે એમ અમે ક્યારેય ભારત વિરોધી આતંકવાદમાં પાકિસ્તાનનો સાથ નથી આપ્યો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાની આતંકી હુમલાની ઉજવણી નથી કરી.
પીડિત સમુદાયની વ્યથા સંવેદનશીલતાથી રજૂ થવી જોઈએ
'ધુરંધર' ફિલ્મ સાથે સંકળાયેલો આ વિવાદ દર્શાવે છે કે, જટિલ ભૂ-રાજકીય સંઘર્ષોને સરળ, બાઈનરી (સફેદ કે કાળા) નેરેટિવમાં સમેટવાની વૃત્તિ વાસ્તવિકતાને વિકૃત કરી શકે છે અને પીડિતોની વ્યથા બાબતે વૈશ્વિક સ્તરે ગેરસમજણ ફેલાવી શકે છે. ભલે ફિલ્મ જેવું કાલ્પનિક માધ્યમ જ કેમ ન હોય, પણ આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાનું ચિત્રણ કે ચર્ચા કરતી વખતે તટસ્થ ભૂમિકા જાળવી રાખવું અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો: Avatar 3માં બોલિવૂડના દિગ્ગજ એક્ટરનો કેમિયો? સોશિયલ મીડિયા પર VIDEO વાઇરલ
ફિલ્મ ધુરંધરે અત્યાર સુધીમાં ભારતમાં 683.46 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે ઓવરસીઝ 186.90નું કલેક્શન કર્યું છે. વિગતવાર જોઈએ તો ફિલ્મે પહેલા સપ્તાહમાં 218 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજા સપ્તાહમાં 261.5 કરોડનું કલેક્શન કર્યું હતું. 17માં દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 40.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આમ આ ફિલ્મે ભારતમાં 683.46 કરોડનું કુલ કલેક્શન કર્યું છે, તો વર્લ્ડ વાઈડ 870.36 કરોડની કમાણી કરી લીધી છે.


