હાય રે VC હાય.. હાય.. યુનિ.માં ભરતી સહિતના પ્રશ્ને હલ્લાબોલ

કુલપતિની ચેમ્બરમાં સાડા ત્રણ કલાક સુધી શાબ્દીક ટપાટપી દેખાવો, સુત્રોચ્ચાર અને રામધૂન સાથે આક્રમક રજૂઆત બાદ ૪૮ કલાકમાં અધ્યાપકોની કાયમી નિમણુંકની પ્રક્રિયા હાથ ધરવાની યુનિ.એ ખાત્રી આપી
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિ અને ઉપકુલપતિનો સમયકાળ પૂર્ણતાના આરે છે. ત્યારે આજ રોજ ભાજપની જ વિદ્યાર્થી પાંખ ગણાતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિ.માં કુલપતિની ચેમ્બરમાં ભરતી સહિતનાં પ્રશ્ને ઘેરાવ, દેખાવ અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ સાડા ત્રણ કલાક સુધી ચાલતો રહ્યો હતો. 'એક કચોરી દો સમોસા, વીસી તેરા ક્યા ભરોસા' 'વીસીને સદ્બુદ્ધિ દે ભગવાન.. જયશ્રી રામ.. જયશ્રી રામ' 'હાય રે વીસી હાય.. હાય..' જેવા સુત્રો બોલાવી વિદ્યાર્થી કાર્યકરોએ રોષની લાગણી વ્યક્ત કર્યા બાદ છેવટે યુનિ.એ નમતુ જોખી ૪૮ કલાકમાં અધ્યાપકોની પેન્ડિંગ ભરતી પ્રક્રિયા આગળ વધારવાની ખાત્રી આપવી પડી હતી.
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ અને કુલનાયકની ત્રણ વર્ષની મુદ્દત આગામી તા. 7 ફેબ્રુ.ના પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા ઉપરાંત હોસ્ટેલ સફાઈ અને ગત વર્ષના વિદ્યાર્થીઓના બાકી ટેબલેટના અન્ય મુદ્દાઓ ઉઠાવી બપોરના 12 કલાકે કુલપતિની ચેમ્બરમાં ધસી આવ્યા હતા. વિદ્યાર્થી કાર્યકરોએ કરાર આધારીત અધ્યાપકોને ફેબુ્. 2022 સુધી અર્થાત દોઢ મહિના સુધી જ કેમ રીન્યુ કર્યા છે. માર્ચ મહિનાથી ભણાવશે કોણ? તેમ કહી ધરણાં ઉપર બેસી જઈ રામધૂન શરૂ કરી હતી. કુલપતિ પ્રો.નીલિન પેથાણી, કુલનાયક ડો.વિજય દેશાણી અને અન્ય કાર્યકારી રજીસ્ટાર સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં વિદ્યાર્થી કાર્યકરોએ વિદ્યાર્થીલક્ષી પ્રશ્નોની ઉગ્ર રજુેઆતો કરી હતી. વિદ્યાર્થી કાર્યકરોએ જણાવ્યું હતું કે અમો છેલ્લા ચાર મહિનાથી વિદ્યાર્થીનાં પ્રશ્નો રજૂ કરતા રહ્યા છીએ. પરંતુ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અહીં હોસ્ટેલમાં કોઈ સફાઈ માટે આવતું નથી. ચારેબાજુ ગંદકીનાં ગંજ ખડકાયા છે. સફાઈ થતી નથી, હોસ્ટેલમાં પાણી આવતું નથી. હોમિયોપેથીના રિઝલ્ટ હજુ સુધી મળ્યા નથી. અનેક વખત રજૂઆતો છતાં પરિણામોમાં વિલંબ થાય છે. બી.વોક.ની ડિગ્રીની મંજૂરી રાજભવનમાંથી મળતી નથી. છતાં કોર્સ ચલાવવાનો હેતુ શું છે? તેવા સવાલો સાથે અધ્યાપકોની કાયમી નિમણુક કરવાની માંગ સાથે આક્રમક રજૂઆતો કરી હતી. કુલપતિ અને કુલનાયકે અત્યારે ફેબુ્રઆરો સુધી મંજુરી આપી છે. પરંતુ સરકારમાંથી મંજુરી મેળવ્યા બાદ વધારાની મંજૂરી અપાશે તેવી સ્પષ્ટતા કરી હતી, તેના જવાબમાં વિદ્યાર્થી કાયકરોએ સરકારમાં અમારી રૂબરૂમાં રજૂઆત કરો. જ્યાં સુધી લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી હટવાના નથી, તેમ જણાવી કુલપતિની ચેમ્બરમાં 'ભારત માતા કી જય'ના નારા બોલતા રહ્યા હતા. બપોરના 3-30 સુધી કુલપતિની ચેમ્બરમાં હો-હા અને દેકારાના દ્રશ્યો સાથે ઉગ્ર સુત્રોચ્ચાર સંભળાતા રહ્યા હતા. વિદ્યાર્થી કાર્યકરોનાં પ્રશ્નોના લેખિત જવાબો પણ અધુરા અને જવાબદારી વિહોણા હોવાનું જણાવી વિદ્યાર્થી કાર્યકરોની લડત આગળ ધપતી રહી હતી. દરમિયાન કુલપતિને ઉદ્દેશીને વિદ્યાર્થી કાર્યકરોએ તેમને અહીં શા માટે કુલપતિની ખુરશી ઉપર બેસાડયા છે? રાજીનામું આપી દેવું જોઈએ. જો સરકાર જ બધુ કરવાની હોય તો તમારી શું જરૂર છે? તેમ કહી બરાબરના ભીડવ્યા હતા.
અલબત્ત, મોડેથી યુનિ.નાં પદરાધિકારીઓએ નમતુ જોખ્યુ હોય તેમ તમામ માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જણાવી પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી. શાબ્દિક ટપાટપીનાં વરવા દ્રશ્યો ત્રણ કલાક સુધી જોવા મળ્યા બાદ આગામી 48 કલાકમાં જે 48 અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પેન્ડિંગ રહી છે તે ફાઈલો અભેરાઈ પરથી ઉતારીને ઈન્ટરવ્યુની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવતા મહામેહનતે મામલો થાળે પડયો હતો.




