Get The App

તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં આરોપી હેમાંશુ ગજ્જરની જામીન માટે હાઈકોર્ટમાં ધા

આરોપી અતુલ ગોરસાવાલાને હાઈકોર્ટના જામીન સામે વાલીઓની સુપ્રિમ કોર્ટમાં અપીલની સુનાવણી 4થી ઓગષ્ટે

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News
સુરત,તા.1 ઓગષ્ટ 2020 શનિવાર તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં જેલવાસ ભોગવતા સુરત મ્યુ.કોર્પોરેશનના આરોપી અધિકારી પરાગ મુન્સી બાદ વધુ એક આરોપી હેમાંશુ ગજ્જરે ચાર્જશીટ બાદ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરતા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. બહુચર્ચિત એવા સુરતના તક્ષશિલા આર્કેડ આગ કાંડમાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા બદલ જેલવાસ ભોગવતા સુરત મ્યુ.કોર્પોરેશનના આરોપી અધિકારી પરાગ મુન્સી,વિનુ પરમાર તથા જયેશ સોલંકીની ચાર્જશીટ બાદ જામીનની માંગને સુરત સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.જેથી સુરત સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈને આરોપી પરાગ મુન્સીએ વધુ એકવાર હાઈકોર્ટમાં જામીન માટે માંગ કરી છે. જ્યારે સહ આરોપી વિનુ પરમાર તથા જયેશ સોલંકી આગામી દિવસોમાં હાઈકોર્ટમાં જામીન માંગે તેવી સંભાવના વચ્ચે આજે સહ આરોપી હેમાંશુ ગજ્જરે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. અત્રે નોંધનીય છે કે આ કેસમાં સંડોવાયેલા સુરત મ્યુ.કોર્પોરેશનના આરોપી અધિકારી અતુલ ગોરસાવાલાને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.અલબત્ત હાઈકોર્ટના હુકમથી નારાજ થઈને ભોગ બનનાર વિદ્યાર્થીઓના વાલીઓએ તેની કાયદેસરતાને પડકારતી અપીલ સર્વોચ્ચ અદાલતમાં કરી છે.જેની ગઈકાલે સુનાવણી હાથ ધરાયા બાદ બાકી સુનાવણી આગામી તા.4થી ઓગષ્ટના રોજ સુપ્રિમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે.
Tags :