ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Heavy Unseasonal Rain In Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર યથાવત્ રહ્યો છે. ત્યારે ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે ભારે વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

મળતી માહિતી અનુસાર, ભારે વરસાદના પગલે ગાંધીનગરના મુખ્ય વિસ્તારો જેવા કે, સિવિલ હૉસ્પિટલ, બસ સ્ટેન્ડ, ઘ-5 વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વરસાદ હાલમાં પણ ચાલુ હોવાથી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં ઝરમર વરસાદ
અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઝરમર-ઝરમર વરસાદ શરુ થયો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. મહુવામાં 3 ઇંચ, તળાજામાં 2 ઇંચ, સિહોર અને પાલીતાણામાં 1-1 ઇંચ, વલ્લભીપુરમાં 4 મિમી, ઉમરાળામાં 5 મિમી, ભાવનગરમાં 9 મિમી વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે, જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

