સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી

Gujarat Weather Alert: ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના પગલે આજે (30મી ઑક્ટોબર) સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સરેરાશ 4થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવાર (31મી ઑક્ટોબર) સુધીમાં ગુજરાત પર એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે, જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ધોધમાર વરસાદની સાથે 55થી 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે, જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: માવઠાના કારણે ગુજરાતનાં ખેડૂતો તબાહ: 10 લાખ હેક્ટરમાં નુકસાન, 7 દિવસમાં સર્વેનો આદેશ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે (30મી ઑક્ટોબર) વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો ઍલર્ટઆપવામાં આવી છે.
શુક્રવારે (31મી ઑક્ટોબર) સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો ઍલર્ટઆપવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ઑરેન્જ ઍલર્ટ, જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો ઍલર્ટ છે.
શનિવારે (પહેલી નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

