VIDEO: બનાસકાંઠાના માલોત્રા ગામનું તળાવ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, સ્કૂલ પણ જળમગ્ન, ખેડૂતો નિરાશ
Banaskantha News : રાજ્યમાં મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં આજે (27 જુલાઈ) બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ધાનેરાના માલોત્રા ગામનું તળાવ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. ખેડૂતો-ગ્રામજનોએ મહામહેનતે તળાવની ફરતે રેતીની પાળ બાંધી હતી. બીજી તરફ, પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
ધાનેરાના માલોત્રા ગામનું તળાવ તૂટ્યું
બનાસકાંઠાના વડગામ, ભાભર, કાંકરેજ, સુઈગામ, દિયોદર, પાલનપુર, ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ધાનેરાના માલોત્રા ગામમાં આવેલા તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને પછી તેમાંથી સિંચાઈ માટે પાણી મળી તે માટે ગ્રામજનોએ તળાવની ફરતે રેતીની પાળ બાંધી હતી. જોકે, ધોધમાર વરસાદમાં તળાવ છલોછલ તો થયું પરંતુ, અતિશય વરસાદના કારણે 25 હેક્ટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા તળાવની દીવાલ તૂટી ગઈ હતી.
જેથી તળાવનું પાણી ખેતરો, ગામની શાળા, નદી સહિતના વિસ્તારોમાં ફરી વળ્યું હતું. જ્યારે હવે તળાવની પાળ તૂટી જતાં ગ્રામજનોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, ત્યારે ખેડૂતો-ગ્રામજનોએ સરકાર પાસે ચેકડેમ બનાવવાની માગ કરી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત
પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 કિ.મી. ટ્રાફિકજામ
ભારેથી અતિભારે વરસાદના કારણે પાલનપુર-અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે વાહન વ્યવહાર ખોરવાયું હતું. દસ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક રહેતા ફસાયેલા લોકોને છાપીના યુવાનોએ પાણી આપીને સેવાકાર્ય કર્યુ હતુ.