Get The App

VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ: ખેડૂતો ખુશ, પરંતુ કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા 1 - image


Amreli News : હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેમાં અમરેલીના લાઠી, ધારી, સાવરકુંડલા, રાજુલા અને બાબરા સહિત મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી-નાળા છલકાયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા થયા છે.

લાઠીમાં ચાર ઇંચ વરસાદ, ધનજીદાદા ધોળકિયા સરોવર ઓવરફ્લો

લાઠી તાલુકાના જરખીયા, ટોડા, અડતાળા, ખીજડીયા અને હરિપુરા જેવા ગામોમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ વરસાદને કારણે જરખીયા ગામની જરખડી નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરાંત, લાઠીનું પ્રખ્યાત ધનજીદાદા ધોળકિયા સરોવર ઓવરફ્લો થઈ ગયું છે. આ સરોવર ઓવરફ્લો થવાથી લાઠી, ગોવિંદપુર, પિપરિયા, કેરિયા અને દેવળીયા સહિત 10 ગામોના ખેડૂતોને વર્ષમાં ત્રણ પાક લેવાનો ફાયદો થશે.

ધારી અને સાવરકુંડલામાં પણ મેઘમહેર

ધારીના ગીરકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. દલખાણીયા ગામનો ચેકડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે, જે ખેડૂતો માટે ખુશીની વાત છે. સાવરકુંડલા પંથકમાં ભમ્મર ગામની નદી બે કાંઠે થઈ છે, જ્યારે વીજપડી, મેરીયાણા અને ખડસલી જેવા ગામોમાં વરસાદથી ફુલઝર અને જામવાળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

રાજુલામાં ત્રણ ગામો સંપર્કવિહોણા, બાબરામાં વરસાદ શરૂ

રાજુલાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ખેરા, પટવા અને ચાંચબંદર ગામો સંપર્કવિહોણા બન્યા છે. સમઢિયાળા ગામનો બંધારો ઓવરફ્લો થતાં આ ત્રણ ગામોને જોડતો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે ઇમરજન્સી સેવાઓ જેવી કે 108ને પણ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ સરકાર પાસે આ સમસ્યાના કાયમી નિવારણ માટે બ્રિજ બનાવવાની માંગ કરી છે.


આ પણ વાંચો: અમરેલીનો દરિયો બન્યો તોફાની: 7 માછીમારો ગુમ, 18નું રેસ્ક્યુ, જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ

બે દિવસના વિરામ બાદ બાબરામાં પણ ફરી વરસાદ શરૂ થયો છે. ચરખા, ચમારડી, વલારડી, નિલવડા અને ઉટવડ સહિતના ગામડાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને જીવનદાન મળ્યું છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

આ પણ વાંચો: Nowcast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ ઍલર્ટ, હવામાન વિભાગની આગાહી

અમરેલીના દરિયાઈ વિસ્તારમાં વરસાદી પાણીમાં સિંહ ફસાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં વસવાટ કરતા સિંહો પણ પ્રભાવિત થયા છે. તેવામાં પીપાવાવ વિસ્તારની દરિયાઈ ખાડીમાં સિંહ ફસાયો હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પાણીમાંથી બહાર નીકળવા મથામણ કરતો સાવજ પીપાવાવ પોર્ટ ફોરવે સુનિલો વિસ્તારનો હોવાની ચર્ચા છે. સદભાગ્યે સિંહ બહાર નીકળવામાં સફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે.


Tags :