ખેડૂતોની ચિંતા યથાવત્: ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે, કાલે 13 જિલ્લામાં યલો ઍલર્ટ

Rain Forecast Gujarat : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે 30 ઓક્ટોબરે રાજ્યના 158 થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે.
આવતીકાલે 13 જિલ્લા યલો ઍલર્ટ
હવામાન વિભાગ (IMD) મુજબ, આવતીકાલે શુક્રવારે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે IMDએ યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
1 નવેમ્બરની આગાહી
આગામી 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
જ્યારે આગામી 5 નવેમ્બર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ પવન અને મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

