ધોળકા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા
Heavy rain in Dholka : અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ધોળકા પંથકમાં અનરાધાર વરસાદથી ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો, અમુક જાહેર માર્ગે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેમાં વરસાદી પાણીના નીકાલ માટે શહેરની જુનવાણી કાંસની સફાઇની કામગીરી પાલિકાની ટીમે કરી હતી.
ધોળકામાં ધોધમાર વરસાદ
ધોળકાના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. ઘણા સમયગાળા બાદ ધોધમાર વરસાદ થતાં ધોળકાના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. જેમાં ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખેત વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. ધોળકા-અમદાવાદ રોડ ઉપર બદરખા અને ભાત ગામ વચ્ચે રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો હતો. જેથી ધોળકા-અમદાવાદ જતાં આવતા લોકો વાયા બાવળા થઈને અવરજવર કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો: અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ'
જ્યારે શહેરના કલિકુંડના બળિયાદેવ વિસ્તાર, બજાર વિસ્તાર, મદાઓટા વિસ્તાર ગોવડા વિસ્તાર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો તથા જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતાં લોકોને હાલાકી પડી હતી. નગરપાલિકા તંત્ર, વહિવટી તંત્ર દ્વારા કુદરતી વરસાદી આફત અંગે તકેદારીના ભાગરૂપે અગત્યની જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.