અમદાવાદમાં ભારે પવન સાથે ફરી ધોધમાર વરસાદ, અનેક સ્થળે ભરાયા પાણી
Ahmedabad News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પટલો આવ્યો છે, ત્યારે ભરઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, કરા પડવા અને પવન ફૂંકાયો છે. આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદમાં 10:50 વાગ્યે ભારે પવનની સાથે ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે.
અમદાવાદમાં ધોધમાર કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો. આજે સોમવારે (5 મે, 2025) અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં સાંજે ધૂળની ડમરી ઉડવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષ પડી ગયા હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદના એસજી હાઈવે, નારણપુરા, ઈસ્કોન, મકરબા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, વાડજ, નરોડ, દાણીલીમડા સહિતના અનેક વિસ્તારોમાં આજે સોમવારે 10:50 વાગ્યે ધોધમારે કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
અમદાવાદના આ વિસ્તારમાં વૃક્ષ પડી ગયા
- ઉસ્માનપુરા હોટેલ હયાત
- આંબલી રેલવે સ્ટેશન, થલતેજ
- રાજપુર, મગન કુમારની ચાલી, ગોમતીપુર
- મીઠાખડી પાસપોર્ટ ઓફિસ, નવરંગપુરા
- કાંકરીયા એકા ક્લબ, મણિનગર
- ચમનપુરા અસારવા, નરોડા
- પકવાન ક્રોસ રોડ, બોડકદેવ
- ચંદ્રલોક ટાવર, પટેલ ડેરી શાહીબાગ સામે, શાહપુર
- ચાંદખેડા આઈઓસી રોડ, ચાંદખેડા
- અપ્સરા સિનેમા કાંકરિયા, મણિનગર
કુદરતી દુર્ઘટનામાં રાજ્યમાં 6ના મોત
રાજ્યમાં અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે ફૂંકાવવાની સાથે અનેક વિસ્તારોમાં કરા સાથે માવઠું થયું હતું. જ્યારે કમોસમી વરસાદ, વીજળી અને ભારે પવન ફૂંકાતા કુદરતી દુર્ઘટનાથી રાજ્યમાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદમાં ધૂળની ડમરી સાથે ભારે ફૂંકાવવાની કારણે રિક્ષા પર હોર્ડિગ પડી જતા એકનું મોત નીપજ્યું હતું. વડોદરામાં વીજ તાર અને ઈમારતનો કાટમાળ પડતા 3ના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અરવલ્લીમાં વીજળી પડવાથી 2ના મોત થયા હતા.