ગુજરાતમાં ફરી મેઘરાજા વરસ્યાં, અમદાવાદમાં મોડીરાતે ધડબડાટી બોલાવી, જાણો લેટેસ્ટ આગાહી
Rain Forecast Gujarat: બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડીરાતથી જ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે મોડી રાતથી અમદાવાદના વટવા, મણિનગર, ઘોડાસર, વસ્ત્રાલ સહિતના અનેક પૂર્વ વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. આજે (20મી સપ્ટેમ્બર) વહેલી સવારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી
નવરાત્રિના આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ અનુસાર, શનિવાર (20મી સપ્ટેમ્બર)ના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.
21મીથી 22મી સપ્ટેમ્બર દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
23-24 સપ્ટેમ્બરની આગાહી
આગામી 23મીથી 24મી સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું ફળદાયી નીવડ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.