Get The App

વડાપ્રધાન મોદી ભાવનગર પહોંચ્યા, રોડ-શોમાં લોકોની ભીડ ઉમટી, જાણો આજનો કાર્યક્રમ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન મોદી ભાવનગર પહોંચ્યા, રોડ-શોમાં લોકોની ભીડ ઉમટી, જાણો આજનો કાર્યક્રમ 1 - image


PM Modi Gujarat Bhavnagar News : દેશના વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં આવી પહોંચ્યા છે. તેમણે આ દરમિયાન રોડ શો પણ કર્યો હતો. જ્યાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં આયોજિત 'સમુદ્ર સે સમુદ્ધિ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ભાવનગરમાં ધામા નાંખી તૈયારીઓની સમીક્ષા કરી હતી. 



વડાપ્રધાન 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 9 પ્રોજેક્ટનું લોકાર્પણ-ઉદ્ઘાટન કરશે 

પીએમ મોદી આજે સવારે સંભવત્ 8થી 8:30 વચ્ચે ભાવનગર એરપોર્ટ આવી પહોંચશે. અહીં મંત્રી મંડળ, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો પીએમનું સ્વાગત કરશે. ત્યાંથી કોન્વોય સાથે મહિલા કોલેજ સર્કલ પહોંચ્યા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો શરૂ થશે. મહિલા કોલેજ, આંબાવાડી સર્કલ, ઘોઘા સર્કલથી રૂપાણી સર્કલ સુધીના રોડ શોમાં મોદી ભાવનગરની જનતાનું અભિવાદન ઝીલશે.

સવારે 10-45 કલાકે પીએમ મોદીનું જવાહર મેદાનમાં સભા સ્થળે આગમન થશે. અહીં યુનિયન મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલની વેલકમ સ્પીચ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ વડાપ્રધાન મોદી મુખ્ય મંચ પરથી 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 9 યોજનાનું લોકાર્પણ-ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11-25 કલાકથી 35 મિનિટ સુધી પીએમ મોદી જાહેર સભાને સંબોધશે.



આ કાર્યક્રમમાં ભારત સરકારના પોર્ટર્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66025 કરોડના એમઓયુનું રિમોટ બટન દબાણી લોકાર્પણ કરાશે. જેમાં બંદરો અને શિપિંગ સબંધિત 21 એમઓયુનો પણ સમાવેશ છે. આ સાથે વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7870 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના 2524 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.

પીએમ મોદીની મુલાકાતમાં ભાવનગરને શું મળશે ?

પાલિતાણાના બડેલી ગામે સરકારી પડતર જમીન પર 270 કરોડના ખર્ચે 45 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ

ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 303 કરોડના ખર્ચે હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલી મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (એમવીસીસી) લગાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

સર ટી.હોસ્પિટલ માટે 583.90 કરોડના ખર્ચે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

267.17 કરોડના ખર્ચે ભાવનગરના કુંભારવાડામાં ૪૫ એમએલડી ક્ષમતાના નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, કુંભારવાડાથી દસનાળા સુધીના ફોરલેન પેવર રોડ અને વરતેજ ગામે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

રાજ્યના વિકાસકાર્યો માટે શું શું જાહેરાત થશે ?

4700 કરોડના ખર્ચે છાશા બંદર પર નિર્મિત એચપીએલએનજી એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ, વડોદરાની ગુજરાત રિફાઈનરી ખાતે 5894 કરોડના ખર્ચે નિર્મિત ઈન્ડિયન ઓઈલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ

સુરેન્દ્રનગરમાં નિર્મિત 1500 કરોડના ખર્ચે 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

જામનગરની ગુરૂ ગોબિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ માટે 525.10 કરોડના ખર્ચે ઓપીડી, એમસીએચ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 440.7 કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓની પહોળાઈ વધારવી, રસ્તાઓનું મજબૂતીકરણ, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વગેરે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામે 56 કરોડના ખર્ચે ચાંચ એન્ટી-સી ઈરોઝન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

જૂનાગઢ-વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું 38.27 કરોડના ખર્ચે લોકાર્પણ

ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે 39.46 કરોડના ખર્ચે તૈયાર થનાર ફિશ લેન્ડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત

જામનગરમાં રેલવે ઓવરબ્રીજ, ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ફેઝ-૧) તેમજ પુનઃ સ્થાપન કરાયેલ ભુજિયા કોઠાનું લોકાર્પણ

સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ

ભાવનગર, બોટાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં 1660 કરોડના ખર્ચે પીએમ કુસુમ યોજના અંતર્ગત 457 મેગાવોટના આશરે 172 ડિસેન્ટ્રલાઈઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સનું લોકાર્પણ

બેસ્ટ ટુરિઝમ વિલેજ 'ધોરડો'નું લોકાર્પણ કરાશે

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે કચ્છના ધોરડો ગામને સમાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામમાં ૧૦૦ ટકા રહેણાંક હેતુંના વીજ જોડાણનું સોલરાઈઝેશન થયું છે. આવતીકાલે શનિવારે ભાવનગરના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના હસ્તે સૌર ઊર્જા સંચાલિક ધોરડો ગામનું લોકાર્પણ કરવામાં આવશે.


Tags :