પંચમહાલમાં છ દિવસથી મેઘમહેર: પાનમ ડેમના દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીની લહેર
Panchmahal News : સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સારો એવો વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. જિલ્લાના તમામ તાલુકામાં આજે (29 ઑગસ્ટ) પણ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ચાલુ રાખ્યું છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શહેરા, મોરવા, હડફ અને ગોધરામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કાલોલ તાલુકામાં સૌથી ઓછો વરસાદ થયો છે.
પાનમ ડેમમાંથી પાણી છોડાતાં 28 ગામોને ઍલર્ટ કરાયા
પંચમહાલના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને પગલે ખેડૂતોમાં હરખ છવાયો છે. આ દરમિયાન ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે શહેરા તાલુકામાં આવેલો પાનમ ડેમ છલકાયો છે. જેમાં ડેમની સપાટી 127.20 મીટરે પહોંચતાં રૂલ લેવલ જાળવવા માટે તેના 3 ગેટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 13348 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેમાંથી 14058 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.
પાનમ નદીમાં પાણી છોડવામાં આવતાં નદીમાં પાણીનો પ્રવાહ વધતાં નદી કાંઠા વિસ્તારના શહેરા, લુણાવાડા, સંતરામપુર અને ખાનપુર તાલુકાના 28 જેટલા ગામોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર
શહેરા-ગોધરા હાઇવે પર પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન
શહેરામાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરા-ગોધરા હાઇવે પર આવેલા પશુ દવાખાના પાસેના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તંત્ર પાસે આ સમસ્યાના કાયમી નિવારણ માટે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માગ કરી છે.