દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિથી નવસારી તંત્ર ઍલર્ટ, 1000થી વધુ લોકોનું સ્થળાંતર
Navsari Heavy Rain : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે (6 જુલાઈ) તાપી, ડાંગ, સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 6 ઇંચથી વધુ અને ડાંગના સુબિરમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે, ત્યારે તંત્ર એલર્ટમાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારી શહેર અને ગણદેવી સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિને લઈને નવસારી તંત્ર ઍલર્ટ
દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓની જળસપાટીમાં વધારો થયો છે. જેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: આગામી 5 દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં થશે મેઘમહેર: આજે 28 જિલ્લામાં ઍલર્ટ
ધોધમાર વરસાદને પગલે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીએ 23 ફૂટની ભયજનક સપાટી વટાવી 24 ફૂટ પર પહોંચી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર ઍલર્ટ મોડીમાં આવ્યું છે. જેમાં શહેરના ભેંસત ખાડા, ગધેવાન વિસ્તાર, રિંગ રોડ, બંદર રોડ સહિતના વિસ્તારોને એલર્ટ જાહેર કરાયા છે.
તંત્રએ ઇમરજન્સી નંબર જાહેર કર્યો
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પાણી ભયજનક સપાટીએ પહોંચ્યું છે, ત્યારે તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી રાખવી તેમજ ઇમરજન્સીમાં જિલ્લા કંટ્રોલ રૂમ નં.02637 233002, 02637 259401 અને ટોલ ફ્રી નં.1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે.