Get The App

મૂશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જવું અશક્ય

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
મૂશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના સુઈગામમાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જવું અશક્ય 1 - image


Heavy Rain Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છઠ્ઠીથી સાતમી સપ્ટેમ્બરે પડેલો 19 ઇંચ વરસાદે વિનાશ વેર્યો છે. જિલ્લામાં વર્ષ 2015 અને 2017ના પૂર કરતા પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદના ચાર દિવસ બાદ પણ સુઈગામ તાલુકામાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જઈ ન શકાય તેવી સ્થિતિ છે. વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ચારથી આઠ ફૂટ પાણી ભરાયેલા છે. વરસતા વરસાદમાં અચાનક પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોએ ઉંચાઈ વાળા વિસ્તારમાં જીવ બચાવવા માટે દોટ મૂકી હતી. 

અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાના પાણી અને જમવાના પણ ફાંફાં છે. એટલું જ નહીં, સૂઈગામ, વાવ અને થરાદમાં ચાર દિવસથી ચારથી આઠ ફૂટ પાણી હોવાથી ખેતીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતો લાચારીની સ્થિતિમાં આવી ગયા છે. ગુરૂવારે (11મી સપ્ટેમ્બર) મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરશે.

લોકોએ સરકારી કચેરીઓમાં આશરો લીધો 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. વાવ અને થરાદના અસરગ્રસ્ત ગામોમાં ઉપર આકાશ અને નીચે પાણી જેવી સ્થિતિ છે. સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકામાં 19 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અચાનક પાણી આવી જતા લોકો જીવ બચાવવા માટે ઘર છોડીને દોટ મૂકી હતી. લોકોએ ઉચાણવાળા વિસ્તારમાં આવેલી શાળાઓ, આગણવાડી કેન્દ્રો અને કચેરીઓમાં આશરો લીધો હતો. કેટલાક લોકોએ ધાબા પર આશરો મેળવ્યો હતો. 

આ પણ વાંચો: પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન?

વાવના મોરીખા ગામે વરસાદે વિરામ લીધાના ત્રણ દિવસ બાદ પાણી થોડા અંશે ઉતર્યું હતું અને લોકો કેડ સુધીના પાણીમાંથી બહાર નિકળ્યાં હતા. હવે લોકોએ ઘરોમાં પલળી ગયેલી ઘરવખરી સહિતનો સરસામાન બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી છે. અસરગ્રસ્ત ચાર તાલુકાના ગામોમાં ઘરવખરી, કપડાં અને ખેતી ઉપજનો સંગ્રહ કરેલો જથ્થો પલળી ગયો હતો અને આ જથ્થો અને ઘરવખરી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.

સૌથી ખરાબ સ્થિતિ સુઇગામની

સુઇગામમાં ત્રણ દિવસે એક ફૂટ પાણી ઉતર્યું છે. પરંતુ બોટ કે ટ્રેક્ટર સિવાય અવરજવર ન થતું હોવાનું જાણવા મળ્યું છે. સુઇગામ, થરાદ, વાવના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી નિકાલ માટે નક્કર આયોજનનો સરકારે પાસે અભાવ છે. જેના કારણે ભારે વરસાદમાં સુઈગામ, વાવ, થરાદ તાલુકાની સ્થિતિ વિકટ બને છે. વરસાદના ચાર દિવસ બાદ પણ જનજીવન સામાન્ય થયું ન હોવા છતાં પણ સરકારે હજુ સુધી હવાઈ નિરીક્ષણ કર્યું નથી. આરોગ્ય વિભાગની વિવિધ ટીમો, વીજ વિભાગની ટીમો સહિત વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં અસંખ્ય પશુઓનાં મોત

અસરગ્રસ્ત સુઈગામ, વાવ, થરાદ તાલુકામાં અચાનક આવેલા પૂરના પાણીના કારણે અસંખ્ય પશુઓ તણાઈ ગયા છે અને અસંખ્ય પશુઓનો હજુ સુધી કોઈ પત્તો જ નથી. પાણીના વહેણ, ખેતરો, કોતરો સહિત સ્થળોએ પશુઓના મૃતદેહ જોવા મળી રહ્યાં છે. આ મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ પશુઓના કોહવાયેલી હાલતમાં મૃતદેહો પડ્યા હોવાથી રોગચાળો વકરે તેવો ભય ફેલાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લો ખેતી પર નિર્ભર છે. આ જિલ્લામાં પશુઓની સંખ્યા વધુ હોવાથી પશુપાલકોને પશુધનનું વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ પશુઓના કોહવાયેલી હાલતમાં મૃતદેહો પડ્યા હોવાથી રોગચાળો વકરે તેવો ભય ફેલાઈ રહ્યો છે.

Tags :