Get The App

બનાસકાંઠામાં મેઘતાંડવ, પાલનપુર-ડીસા અને વડગામમાં જળબંબાકાર, ચારેકોર પાણી ભરાયા

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં મેઘતાંડવ, પાલનપુર-ડીસા અને વડગામમાં જળબંબાકાર, ચારેકોર પાણી ભરાયા 1 - image


Rain In Gujarat: રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે (13મી જુલાઈ) બનાસકાંઠા, પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતિવાડામાં 6.30 ઈંચ, પાલનપુરમાં 4.56 ઈંચ, ડીસામાં 3.66 ઈંચ, દાંતામાં 3.07 ઈંચ અને વડગામમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો હતો. 



બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા 

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  પાલનપુર-આબુરોડ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે આજે સવારથી જ વડગામ, પાલનપુર ડીસા દાતીવાડા, દિયોદર, થરાદ, લાખણી, ધાનેરા, વાવ, સૂઈગામ અને કાંકરેજમાં વરસાદ પડી રહ્યો છે.



આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ ફરી દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા,પાર્ટીમાં આમૂલ ફેરફારના એંધાણ

સતત ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાના નદીનાળા છલકાઈ ગયા હતા. આલવાડાનું વહેણ ફરી જીવંત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદથી રેલ નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આવતીકાલે રવિવારે (13મી જુલાઈ) અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 



14-16 જુલાઈની આગાહી

હવામાન વિભાગે આગામી 14મી અને 15મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 16મી જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

Tags :