ગુજરાતમાં કોંગ્રેસ ફરી આ દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા,પાર્ટીમાં આમૂલ ફેરફારના એંધાણ
Images Sourse: IANS |
Gujarat Congress: કડી-વિસાવદરની પેટા ચૂંટણી બાદ હારના બહાને શક્તિસિંહ ગોહિલે મેદાને છોડ્યું છે. હવે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તે મુદ્દે દિલ્હીમાં હાઈકમાન્ડે મનોમંથન શરૂ કર્યુ છે. રાહુલ ગાંધી સાથે યોજાયેલી બેઠક બાદ એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે, ફરી એકવાર ધારાસભ્ય અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે નિયુક્તિ થઈ શકે છે.
વિધાનસભા વિપક્ષ નેતાપદે જિજ્ઞેશ મેવાણી અને ઉપનેતા તરીકે કિરીટ પટેલની પસંદગી નક્કી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે હાઈકમાન્ડે શોધખોળ શરૂ કરી છે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, જિજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, વિરજી ઠુમર પ્રદેશ પ્રમુખની રેસમાં ટોપ પર છે. દિલ્હીમાં રાહુલ ગાંધીએ બધાય દાવેદારો સાથે વન ટુ વન બેઠક કરીને મત જાણ્યા હતાં.
શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂંક બાદ હવે પ્રદેશ માળખાની રચના કરવાની છે તે પહેલાં પ્રદેશ પ્રમુખને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, હાઈકમાન્ડ ઓબીસી નેતા અમિત ચાવડાને ફરી પ્રમુખપદ સોંપી શકે છે. જો અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બને તો વિધાનસભા વિપક્ષનું પદ ખાલી પડશે. યુવા-આક્રમક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને વિપક્ષી નેતા તરીકે હાઈકમાન્ડની પહેલી પસંદ છે. જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને કોંગ્રેસ પક્ષના ઉપનેતાપદે નિમણૂંક થાય તેવી પુરેપુરી શક્યતા જોવાઈ રહી છે.
હાઈકમાન્ડ પ્રદેશ સંગઠનના માળખામાં તો ધરમૂળથી ફેરફાર કરવા ઈચ્છુક છે. પરંતુ સાથે સાથે વિધાનસભામાં પણ ભલે ધારાસભ્યોનું સંખ્યા બળ ઓછુ હોય પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત બને તેવો લક્ષ્ય ધરાવે છે. જો કે, વિધાનસભામાં વિપક્ષપદ મેળવવા માટે પણ ધારાસભ્યોમાં લોબિંગ શરૂ કરાયુ છે. બે-ચાર દિવસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નામની ઘોષણા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.