ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી, આજે અમરેલી-ભાવનગરમાં રેડ ઍલર્ટ

Rain Forecast : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળતાં ભારે નુકસાન થયું છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનના ત્રણ કલાકના નાવકાસ્ટ મુજબ આજે 31 ઑક્ટોબરે રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

આ બે જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ અને જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, ભરુચ, સુરત, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે આ જિલ્લામાં ઍલર્ટ
રાજ્યમાં આવતીકાલે શનિવારે (1 નવેમ્બર) અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

2થી 6 નવેમ્બરની આગાહી
આગામી 2થી 6 નવેમ્બરની આગાહી દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર સહિત મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

