જન્માષ્ટમીએ અમદાવાદમાં જળબંબાકાર, કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ, બે અંડરપાસ બંધ
Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં માત્ર બે કલાકના ગાળામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયાની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર
અમદાવાદમાં વરસાદી માહોલ
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલા જેવા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. નરોડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાબરમતી નદીનું જળસ્તર વધતાં વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા
અમદાવાદમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીનું જળસ્તર વધતાં વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે હાલ 5800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જોકે, આ પગલાં છતાં શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 19 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં ફરી એકવાર નાઉકાસ્ટ હેઠળ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા ભારે વરસાદની આગાહી કરી છે.