ગુજરાતમાં 2 દિવસ 6થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ, આજે 37 તાલુકામાં વરસાદ નોંધાયો
IMD Forecast, Gujarat : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે, ત્યારે 24 મેના સવારના 6 વાગ્યાથી 25 મેના સવારના 6 વાગ્યામાં રાજ્યના 37 તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના 6 થી વધુ જિલ્લા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
આવતીકાલે 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 26 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
27 મેની આગાહી
જ્યારે 27 મેના રોજ રાજ્યના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ કર્યું છે.
આ પણ વાંચો: જામનગરના જુના બંદરે મંજૂરી વિના દરિયામાં માછીમારી કરવા જનાર માછીમાર સામે પોલીસ ફરિયાદ
37 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં 24 મેના સવારના 6 વાગ્યાથી 25 મેના સવારના 6 વાગ્યા સુધીની 24 કલાકમાં 37 તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડના વાપીમાં 1.42 ઈંચ, નવસારીમાં 1.26 ઈંચ અને નવસારીના વાસંદામાં 1.14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાના 34 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.