ગુજરાતના 4 જિલ્લા માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ચાર જિલ્લામાં 1 વાગ્યા સુધી રેડ ઍલર્ટ જાહેર કર્યું છે, જ્યારે જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ અને યેલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર,રવિવારે (31મી ઓગસ્ટ) 1 વાગ્યા સુધી અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર છે. જ્યારે અન્ય જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28મી ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 78.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 20 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ ઍલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.