હાઈકોર્ટના હુકમોને તંત્ર ઘોળીને પી ગયું, જ્યાં જુઓ ત્યાં બિસ્માર રોડ રસ્તાથી પ્રજા ત્રસ્ત
Ahmedabad Pathetic Roads: અમદાવાદ શહેરના બિસ્માર અને તૂટી ગયેલા, ખાડા પડી ગયેલા રોડ-રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા, તેનું નિયમિત મોનીટરીંગ કરવા અને રોડ-રસ્તાઓના નિર્માણમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જોળવવા, કસૂરવાર કોન્ટ્રાકટરોને દંડ અને આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો જાણે કાગળ પર રહી ગયા છે.
અમદાવાદમાં 'ખાડા રાજ' યથાવત્
શહેરના મોટાભાગના વિસ્તારમાં હાલની ચોમાસાની સીઝનમાં આજે પણ ખાડા રાજ, ઉબડ ખાબડ રસ્તાઓ અને ભુવા પડવાની સ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને કેટલાક ગંભીર અકસ્માતોની ઘટનાઓ ઘટવા છતાં અમ્યુકો સત્તાવાળાઓના પેટનું પાણી હાલતું નથી. રોડ-રીપેરીંગમાં માત્ર દેખાડવા ખાતર પેચવર્ક કરી દે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક છે.
ચોમાસામાં ખરાબ રસ્તાઓ અને ભૂવા પડવાની સમસ્યાથી નાગરિકો પરેશાન
શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફુટપાથ પર લારી-ગલ્લા, પાથરણાવાળા દબાણો, ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં વર્ષ 2017માં જસ્ટિસ એમ.આર.શાહના વડપણ હેઠળની ખેંચે શહેરના રોડ-રસ્તાઓની બિસ્માર સ્થિતિ અને તેના નિવારણને લઈ બહુ જ મહત્ત્વના નિર્દેશો અમ્યુકો સત્તાધીશોને જારી કર્યા હતા. જેમાં હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને શહેરના રોડ રસ્તાઓના તાત્કાલિક રીપેરીંગ અને તેની જાળવણી માટે રોડ રીપેર રિડેવપમેન્ટ સેલની રચના કરવા પણ હુકમ કર્યો હતો.
અમદાવાદમાં 12 વર્ષ પછી પણ રોડના પ્રશ્નો માટે ઝોનવાઇઝ ગ્રીવન્સ સેલ નહીં
જોકે, ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે, 12-12 વર્ષો બાદ પણ અમ્યુકો સત્તાવાળાઓ શહેરમાં ઝોન વાઈઝ આ રસ્તાઓના ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના કરી શક્યા નથી અને માત્ર હુકમનું પાલન કાગળ પર બતાવવા ખાતર સેન્ટ્રલાઈઝ સેલ ઊભો કરી દીધો છે.
કોર્ટના આદેશ છતાં રોડની ફરિયાદ માટેના સેલની જાહેરાત કરવામાં નિષ્ફળ
સૌથી નોંધનીય વાત તો એ છે કે, એ વખતે હાઈકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને આ રોડ-રસ્તા ગ્રીવન્સ રિડ્રેસલ સેલની રચના અંગે નાગરિકોને જાણકારી મળી રહે અને તેઓ ફરિયાદ કરી શકે તે માટે બહોળી પ્રસિધ્ધિ કરવા પણ સ્પષ્ટ જણાવ્યું હતું પરંતુ અમ્યુકો સત્તાવાળાઓ તેનું પણ ચુસ્તપણે પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે.
કોર્પોરેશન પાસે સ્ટાફ અને ટેકનિકલ નિષ્ણાતોનો અભાવ
અમ્યુકો સત્તાવાળાઓ ઝોન વાઇઝ આવો સેલ ઉભો નથી કરી શક્યા તેનું એક કારણ એ પણ છે કે, વાસ્તવમાં કોર્પોરેશન પાસે જરૂરી સ્ટાફ જ નથી. ખાસ કરીને રોડ-રસ્તાઓના ટેકનીકલ નોલેજ અને નિપુણતાને લઈ નિષ્ણાત તજજ્ઞોની અછત છે.
હાઈકોર્ટે રોડ-રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા જાળવવા ખાસ હુકમ કર્યો હતો કારણ કે, એ વખતે રોડ-રસ્તાઓના કામમાં કથિત ભ્રષ્ટાચારને લઇ હાઇકોર્ટે જવાબદાર કોન્ટ્રાકટરો વિરૂધ્ધ વિજિલન્સ તપાસ પણ સોંપી હતી પરંતુ આજે પણ રોડ-રસ્તાઓની ઉચ્ચ ગુણવતા કે નિયત માપદંડો જળવાતા નથી.
હલકી ગુણવત્તાયુકત રોડ-રોડ-રસ્તાઓ બાંધનાર કે નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટરો વિરૂધ્ધ આકરા દંડ સહિતના પગલાં લેવા અને આવા કોન્ટ્રાકટરો પાસેથી ખર્ચ વસૂલવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો. પરંતુ તેમાં પણ કયાંક ને ક્યાંક માનીતા કોન્ટ્રાકટરોને છાવરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો
કોન્ટ્રાકટરો દ્વારા રોડ-રસ્તાઓનું આડેધડ પેચવર્ક, રીપેરીંગ અને સમારકામ...
અમ્યુકોના કોન્ટ્રાકટરો દ્વારા બિસ્માર કે તૂટેલા રસ્તાઓ કે ખાડાઓનું આડેધડ પેચવર્ક, રીપેરીંગ કે સમારકામ કરવામાં આવે છે અને વાસ્તવમાં હાઇકોર્ટના ઉચ્ચ ગુણવત્તા કે નિયત માપદંડો જાળવવાના નિર્દેશોનું કોઇ જ પાલન થતુ નથી. ચોંકાવનારી વાત એ છે કે, જૂના રસ્તા તોડયા વિના કે તેને સમાંતર લેયરમાં લાવ્યા વિના ઘરની ઉપર થર કરી ડામર-કપચી પાથરી દેવાય છે.
કેટલીક જગ્યાએ તો એટલું હલકુ કામ કરાયું હોય છે કે, પેચવર્ક કે રીપેરીંગ કરાયાના એક-બે દિવસમાં જ ડામર-કપચી ઉખડી જાય છે અને ખાડાઓની સ્થિતિ પાછી જૈસે-થે જેવી બની જાય છે. કોન્ટ્રાકટરો પણ આવું ગુણવત્તાવિહીન કામ કરીને કાગળ પર કામ કર્યુ હોવાનું બતાવી કોર્પોરેશન પાસેથી મસમોટા બીલ મંજૂર કરાવી લે છે પરંતુ હકીકતમાં જાય છે તો આ પ્રજાના જ પૈસા ને...પ્રજાના પૈસાના ભોગે કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવાનું અમ્યુકો સત્તાધીશોનું વલણ તેમની ભ્રષ્ટ અને મિલીભગતની નીતિને ઉજાગર કરે છે
શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ ખોદકામ, નાગરિકો ત્રાહિમામ્
શહેરના વિવિધ વિસ્તારોમાં અમ્યુકો તંત્ર દ્વારા આડેધડ ખોદકામ અને વોટર-ટ્રેનેજના પ્રોજેકટને લઈ વિશાળ ખાડાઓ ખોદી કામકાજ ચાલી રહ્યું છે, કેટલીક જગ્યાએ તો, ચોમાસાની સીઝન પહેલેથી કામ શરૂ થયુ હતુ, જે હજુ પૂરું થયુ નથી. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે, અમ્યુકો ચોમાસાની સીઝનમાં જ કેમ કામ કરવા માટે જાગે છે ? અને આવા પ્રોજેકટ શા માટે અમુક નિયત દિવસમાં પૂર્ણ નથી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઇ છે. બીજીબાજુ, કોર્પોરેશન વિકાસનું બહાનું આગળ ધરી પોતાની ભૂલ અને બેદરકારીમાંથી છટકી જાય છે.