બાબરા નજીક ધસમસતા પૂરમાં ફસાયેલા રાજકોટનાં ત્રણ લોકોનું દિલધડક રેસ્ક્યૂ

પોલીસ અને ગ્રામીણ લોકોએ જાનની બાજી લગાવીને બચાવ્યા
બેઠા પુલ પર પાણીમાંથી પસાર થવા જતાં કાર ડૂબવા લાગી, કાચ તોડીને માસૂમ પુત્રને લઈ પિતા અને મિત્રએ કાર ઉપર ચડી ચાર કલાક જીવન-મરણ વચ્ચે ઝઝુમ્યા
રાજકોટ રહેતા કરણસિંહ વિક્રમસિંહ જાડેજાનો પાંચ વર્ષનો પુત્ર અજીત ગઢડા તાલુકાના મોટીકુંડળ ગામે સંબંધીને ત્યાં હોવાથી તેને લેવા માટે મિત્ર કલ્પેશ રમેશભાઈ ચૌહાણ (રહે. રાજકોટ) સાથે ગઈકાલે પોતાની નવી ખરીદેલી કાર લઈને ગયા હતા. જ્યાંથી રાત્રે વરસતા વરસાદ વચ્ચે રાજકોટ પરત આવવા માટે નીકળ્યા હતા. જેમાં મોટી કુંડળથી વાયા કરીયાણા ગામનાં બદલે રસ્તો ભુલી જતા નાની કુંડળથી લીંબડીયા વાળા રસ્તા પર ચડી ગયા હતા. જે રસ્તામાં આવતા કોઝ-વે પરથી વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ હતો, પણ તેઓ ઉંડાઈ અને વેગ માપવામાં થાપ ખાઈ ગયા હતા. તેમાંથી પસાર થવા જતાં જ અડધે જઈને કાર પૂરમાં ફસાઈ ગઈ હતી અને તણાવા લાગી હતી. જો કે, થોડે જઈને કાર અટકી ગઈ હતી, પણ પાણીનો પ્રવાહ વધતો જતો હતો.
પરિણામે તુરંત કરણસિંહ અને મિત્ર કલ્પેશે કારની બારીનો કાચ તોડીને માસુમ પુત્રને લઈ કારની ઉપર ચડી ગયા હતા. બાદમાં તેમણે સગ્ગા-સંબંધીઓને મદદ માટે ફોન કર્યા હતા. આ દરમિયાન બાબરા-ગઢડાનાં પ્રેસ-મીડિયાને જાણ થતાં તુરંત બાબરા પોલીસને જાણ કરી હતી. જેથ બાબરા પોલીસે ઘડીભરનો વિલંબ કર્યા વગર નાઈટ પેટ્રોલિંગ ટીમને મોકલીને ગ્રામીણ લોકોની મદદથી રાત્રે ૨.૩૦ વાગ્યે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. બેઠા પુલ ઉપર ૪૦૦ ફૂટ દૂર પાણીની વચ્ચે ફસાયેલી કાર ઉપર બેઠેલા બાળક સહિતના ત્રણ લોકોને બચાવવા દોરડાની મદદથી માનવસાંકળ બનાવી ત્રણ કલાકના અંતે મોતના મુખમાંથી સહીસલામત બહાર લાવ્યા હતા. જેથી સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
- બાળકને પીઠ પર બેસાડી ધસમસતા પાણીમાં 400 ફૂટનું અંતર કાપ્યું !
નાની કુંડળ ગામનાં સીમાડે ગાઢ અંધકાર વચ્ચે ધસમસતા પૂરમાં કાર ઉપર માસુમ પુત્ર સાથે ફસાયેલા રાજકોટનાં યુવક અને મિત્રએ બચવાની ઉમ્મીદ છોડી દીધી હતી. જો કે, સમયસર પોલીસ સ્ટાફના રાજભા વાઘેલા, કિરણ સોલંકી, વિજય ચારડીયા, ગોકુળભાઈ રાતડીયા ઉપરાંત નાની કુંડળના આગેવાન મુકેશભાઈ ભાલીયા સહિતના લોકોએ તુરંત બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. જેમાં દોરડાંથી એક-બીજાના સહારે કાર સુધી પહોંચીને પ્રથમ પાંચ વર્ષીય બાળકને પોલીસ જવાને પીઠ પર બેસાડી ધસમસતા પ્રવાહમાં હિંમતભેર ૪૦૦ ફૂટ સુધીનું અંતર કાપ્યું હતું. બાદમાં અન્ય બન્ને યુવકોને પણ બચાવવામાં આવ્યા હતા.

