Get The App

VIDEO: ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા!

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! 1 - image


Amreli News : અમરેલી જિલ્લાના ખેડૂતોને આ વર્ષે મગફળીનો મબલખ પાક હોવા છતાં પોષણક્ષમ ભાવો ન મળતાં ભારે નિરાશા વ્યાપી છે. અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે, પરંતુ સરકારે નિર્ધારિત કરેલા રૂ. 1452ના ટેકાના ભાવ સામે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને માત્ર 800થી 1000 રૂપિયા જેટલા નીચા ભાવ મળી રહ્યા છે. આ ભાવોના મોટા તફાવતનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને તેના કારણે મગફળીની ગુણવત્તામાં આવેલો ઘટાડો હોવાનું સામે આવ્યું છે.

મગફળીથી યાર્ડ છલકાયા, પણ ખેડૂતો હતાશ

અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી લઈને મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે યાર્ડ આખું મગફળીથી છલકાઈ ગયું છે. પરંતુ ખેડૂતોની ચાર મહિનાની કાળી મહેનત છતાં તેમને પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવસો જોવા મળી રહ્યો છે.

VIDEO: ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! 2 - image

ખેડૂતોની વ્યથા

નેસડીના ખેડૂત ધનજીભાઈ પાનસેરીયા અને અભરામપરાના કિશોરભાઈ જાદવ જેવા અનેક ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવતાં જણાવ્યું કે, 'મોંઘાદાટ ખાતર-બિયારણનો ઉપયોગ કર્યા બાદ પણ જાહેર હરાજીમાં માંડ 800થી રૂ. 1000 સુધીના ભાવો મળી રહ્યા છે, જે ટેકાના ભાવ રૂ. 1452 કરતાં 500થી 600 રૂ. ઓછા છે. આનાથી તેમની મહેનતનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બની ગયો છે'.

કમોસમી વરસાદ બન્યો ખેડૂતો માટે 'કાળ'

ખેડૂતોને ઓછા ભાવ મળવા પાછળનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. આ વરસાદને કારણે મોટાભાગની મગફળીની ગુણવત્તા બગડી ગઈ છે. ખુલ્લા બજારના વેપારીઓ ઓછી ગુણવત્તાવાળી મગફળીના ઓછા ભાવ આપે છે.

બીજી તરફ, સરકાર ટેકાના ભાવે ખરીદી માટે કડક ગુણવત્તાના માપદંડો રાખે છે, જેના કારણે કમોસમી વરસાદથી નુકસાન પામેલી મગફળી ટેકાના ભાવે વેચાતી નથી. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને નછૂટકે ખુલ્લા બજારમાં રૂ. 500 આસપાસની ખોટ ખાઈને પોતાની મગફળી વેચવાની ફરજ પડી રહી છે.

VIDEO: ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! 3 - image

આવકનો પ્રવાહ ધીમો પડ્યો

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ, અગાઉ અમરેલી, સાવરકુંડલા સહિતના યાર્ડોમાં 35,000 મણથી 50,000 મણ મગફળીની જંગી આવક થઈ રહી હતી. જોકે, હાલ લગ્નગાળાની સિઝન ને કારણે આવકમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને ટેકાના ભાવ રૂ.1452 મળી રહ્યા છે, પરંતુ જે ખેડૂતોની મગફળી કમોસમી વરસાદને લીધે બગડી છે, તેમને ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની મજબૂરી છે.

આ પણ વાંચો: મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શરૂ

ખેડૂતોની સરકારને વિનંતી

હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની વેદના છે કે સરકાર ટેકાના ભાવની ખરીદીમાં ગુણવત્તાના માપદંડો થોડા હળવા કરે અને વધુ મગફળીની ખરીદી કરે. જો સરકાર આ દિશામાં પગલાં ભરે તો કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને મોટી નુકશાનીમાંથી બચાવી શકાય અને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. સરકાર ખેડૂતોની વેદનાને સંભાળે તેવી જગતના તાતની માગ છે.

VIDEO: ખેડૂતોની કાળી મહેનત પર પાણી: અમરેલી યાર્ડમાં મગફળીના ઢગલા, પણ ટેકાના ભાવ કરતાં રૂ.600 મળે છે ઓછા! 4 - image

Tags :