મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શરૂ

Shocking Case in Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ધોરણ-2માં અભ્યાસ કરતી એક બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકીએ માતાને આ અંગે જાણ કરતાં તાત્કાલિક મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને સુરક્ષાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર
મળતી માહિતી અનુસાર, બાળકીએ તેની માતાને જણાવ્યું હતું કે, અજાણ્યો શખસ તેને સ્કૂલની પાછળ લઈ ગયો હતો અને તેના ખભે હાથ મૂકીને હાથની કોણીથી ઉપરના ભાગે ઈન્જેક્શન આપ્યું હતું. આ ઘટના બાદ બાળકીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકી હાલમાં સ્વસ્થ છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ વાલીઓના ટોળા શાળાએ પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊઠાવ્યા હતા.
આ પણ વાંચો: કચ્છના લાખાપર ગામના તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત
POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ, CCTV તપાસ શરૂ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે: વિજાપુર પોલીસે અજાણ્યા શખસ સામે POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે શાળાની આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે, જેના આધારે આરોપીને ઓળખીને ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
પોલીસે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે, આખરે કોણે અને કયા હેતુથી બાળકીને ઈન્જેક્શન આપ્યું હતું. બાળકીની સુરક્ષા અને અજાણ્યા શખસના આ કૃત્યએ શાળા અને વાલીઓમાં ગંભીર ચિંતા ઊભી કરી છે.

