આરોગ્ય કર્મીઓ વાંરવાર નહીં પાડી શકે હડતાળ, સરકાર ESMA લાગુ કરશે
પ્રતિકાત્મક તસવીર |
ESMA On Health Worker : રાજ્યમાં હવે વારંવાર હડતાળ કરતાં આરોગ્ય કર્મીઓ સામે સરકાર કાર્યવાહી કરશે. ગાંધીનગર કૂચ કરીને વારંવાર હડતાલ કરતાં આરોગ્ય કર્મીઓને રોકવા માટે હવે સરકાર ESMA લાગુ કરશે. આ નિયમ હેઠળ સરકાર ફિક્સ-પેના કર્મીઓ હડતાળ પર જશે તો સેવા સમાપ્તિ સુધીની કાર્યવાહી કરી શકે છે.
હવે આરોગ્ય કર્મીનું હડતાળ પાડવું મુશ્કેલ
રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જીંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પે ના કર્મીઓ હડતાલ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયાં, એલોપેથિક દવાઓ સહિત તબીબી સાધનો કરાયાં જપ્ત
રાજ્યમાં આરોગ્ય વિભાગમાં ભરતીને લઈને આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 'GPSC હેઠળની ક્લાસ 1ની અલગ-અલગ 12 સંવર્ગની 1146 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પીડિયાટ્રિશિયન, ડેન્ટન સર્જન સહિતની જગ્યાઓ પર ભરતી માટે પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય વિભાગમાં ક્લાસ 2ની 1921 અને સ્ટાફનર્સ ક્લાસ 3ની 1903 જગ્યાઓ પર ભરતી કરાશે.'