અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવાર
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થતી મુખ્ય પિટિશનમાં ઘણીવાર ફાઇલ થતી સિવિલ એપ્લીકેશન કોઇક કેસમાં તેની સાથે જોડાયેલી નહી હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાન પર આવતાં ચીફ જસ્ટિસ અરવિંદકુમારે આ બાબતની ગંભીર નોંધ લઇ હાઇકોર્ટ રજિસ્ટ્રીને હવેથી મૂળ રિટ અરજી સાથે સિવિલ એપ્લીકેશન જોડયા બાદ જે તે કોર્ટ સમક્ષ રજૂ કરવા કડક તાકીદ કરી છે. ચીફ જસ્ટિસે સ્પષ્ટ ચીમકી આપી હતી કે, જો ફરજમાં ચૂક થશે તો આ માટે જે કોઇ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે.
હાઇકોર્ટની કામગીરી કેવી રીતે ચાલશે તે રજિસ્ટ્રીએ નક્કી કરવાનું નથી : ચીફ જસ્ટિસ
કેસની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ દ્વારા એવી ગંભીર માર્મિક ટકોર પણ કરવામાં આવી હતી કે, હાઇકોર્ટની કામગીરી કેવી રીતે ચાલશે તે રજિસ્ટ્રીએ નક્કી કરવાનું નથી. એક કેસના હીયરીંગ વખતે એડવોકેટ દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરાયુ હતું કે, તેમણે મૂળ રિટ અરજીમાં સિવિલ એપ્લીકેશન ફાઇલ કરી છે પરંતુ એ સિવિલ એપ્લીકેશન મૂળ પિટિશન સાથે ટેગ થઇને લીસ્ટ થઇ નથી. તેથી હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી અને રજિસ્ટ્રીની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસે કોઇપણ સિવિલ એપ્લીકેશન આગલી સાંજે ફાઇલ થાય તો પણ તેને બીજા દિવસે મૂળ રિટ અરજી સાથે જોડીને જ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા રજિસ્ટ્રીર જયુડીશીયલને નિર્દેશ કર્યો હતો.


