Get The App

હેપ્પી ન્યૂ યર...: અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
હેપ્પી ન્યૂ યર...: અમદાવાદમાં ભવ્ય આતશબાજી સાથે 2026નું સ્વાગત, ગુજરાતના અનેક શહેરોમાં ઉજવણી 1 - image


Happy New Year Celebration: મધરાતે 12 વાગ્યે ઘડિયાળના ટકોરે વર્ષ 2026નું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ભારત સહિત ગુજરાતમાં પણ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં સી.જી.રોડ અને સિંધુ ભવન રોડ 'હેપ્પી ન્યુ યર'ના ગુંજારવ અને આનંદની ચિચિયારીઓ ગાજી ઉઠ્યો છે. આખું અમદાવાદ જાણે નવા વર્ષના વધામણાં કરવા રોડ પર ઉતરી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરનું આકાશ લાલ-પીળી આતશબાજીથી રંગીન થઈ ગયું છે. યુવાનોએ સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ રંગે ચંગે ડાન્સ પાર્ટી અને ગીતો સાથે વર્ષ 2026ને ઉમળકાભેર આવકાર્યું છે. 

અમદાવાદ વરસાદી વાતાવરણ વચ્ચે યુવાહૈયા ધબક્યા

31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર સામાન્ય વરસાદ પડ્યો હતો. વર્ષના છેલ્લા દિવસે શહેરમાં અનેક પાર્ટી પ્લોટ ઉજવણીનું આયોજન કરાયું હતું. પણ વરસાદી વાતાવરણ બની જતાં આયોજકોમાં હાંફળાફાંફળા થઈ ગયા હતા. જોકે યુવાનોએ રંગમાં ભંગ પડવા દીધો ન હતો. વરસાદની વચ્ચે પણ ક્લબ-પાર્ટી પ્લોટમાં ડીજે સંગ યુવાહૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. 

અમદાવાદમાં 12,000 જવાનો ઊભા પગે

સીજી રોડ અને સિંધુભવન રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં રાત્રે 8થી 1 વાગ્યા સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રસ્તાઓ પર લોકો ચાલીને ન્યુ યરની ઉજવણી કરી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ, એસ. જી. હાઇવે, પ્રહ્લાદનગર, વસ્ત્રાપુર અને એસપી રિંગ રોડ સહિતના 15 મુખ્ય સ્થળોએ ભારે ભીડ એકત્ર થઈ છે. ઉજવણીના આનંદમાં કોઈ પલિતો ન ચંપાય તે માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે કમર કસી છે. કુલ 12,000 પોલીસ કર્મચારીઓ ડ્રોન અને બોડીવોર્ન કેમેરા સાથે સ્ટેન્ડ-ટુ રહ્યા છે. 


નશાખોરો પર ચારેયકોરથી નજર

બ્રેથ એનેલાઇઝરની મદદથી ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના કેસો પકડવા માટે ખાસ ટીમો બનાવાઈ છે. ફાર્મ હાઉસ અને શંકાસ્પદ સ્થળોએ યોજાતી રેવ પાર્ટીઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાત્રે 12:15 પછી જાહેર સ્થળોએથી ભીડ ઓછી કરવામાં આવશે અને રાત્રે 1 વાગ્યા પછી ખાણી-પીણીની દુકાનો બંધ કરાવી લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડવા પોલીસ સક્રિય બનશે. શહેરમાં 4,000થી વધુ સીસીટીવી કેમેરા અને હોક બાઇક પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

કિરીબાતીમાં સૌથી પહેલા વર્ષ 2026નું આગમન

વર્ષ 2025ની ખાટી-મીઠી યાદોને વિદાય આપીને સમગ્ર વિશ્વ અત્યારે વર્ષ 2026ના સ્વાગતમાં ડૂબેલું છે. સમયના તફાવત (Time Zone)ને કારણે વિશ્વના અલગ-અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. પેસિફિક મહાસાગરના ટાપુ દેશ કિરીબાતીમાં સૌથી પહેલા વર્ષ 2026નું આગમન થયું હતું, ત્યારબાદ ન્યૂઝીલેન્ડમાં પણ નવા વર્ષની ધામધૂમથી શરૂઆત થઈ હતી.

ધાર્મિક પર્યટનનો ક્રેઝ: મંદિરોમાં ભક્તોનું મહેરામણ

ભારતમાં નવા વર્ષની ઉજવણીમાં આ વખતે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. યુવા પેઢી ક્લબ કે પાર્ટીના બદલે આધ્યાત્મિકતા તરફ વળી રહી છે. અયોધ્યા રામ મંદિર, કાશી વિશ્વનાથ, મથુરા-વૃંદાવન અને ઉજ્જૈન મહાકાલ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના વર્ષની શરૂઆત ઈષ્ટદેવના દર્શન અને પૂજા-અર્ચના સાથે કરવા માંગે છે. વૈષ્ણોદેવી અને અન્ય પ્રમુખ યાત્રાધામોમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.


વિશ્વમાં પહેલી જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી ક્યારથી શરૂ થઈ

ન્યૂઝીલેન્ડથી વર્ષ 2026નું આગમન સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત અનેક દેશોમાં પણ ઉજવણી કરાઈ હતી. જોકે શું તમે જાણો છો કે, નવું વર્ષ 1લી જાન્યુઆરીએ ઉજવવામાં આવતું નથી. 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ ઉજવવાની પરંપરા ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડર હેઠળ 15મી સદીમાં ઓક્ટોબર 1582માં શરૂ થયું હતું. આ તારીખ પહેલા સમગ્ર વિશ્વમાં જુલિયન કેલેન્ડરનું પાલન થતું હતું. ત્યાં માત્ર 10 મહિના હતા અને નવું વર્ષ નાતાલના દિવસે જ ઉજવવામાં આવ્યું હતું. પરંતુ આ પછી, એક અમેરિકન ફિઝિશિયન એલોયસિયસ લિલિયસે વિશ્વને એક નવું કેલેન્ડર આપ્યું હતું. તેને ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવતું હતું જેમાં વર્ષનો પ્રથમ દિવસ 1 જાન્યુઆરી માનવામાં આવતો હતો અને ત્યારથી 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવે છે. 15મી સદી પહેલા, માર્ચને વર્ષનો પ્રથમ મહિનો ગણવામાં આવતો હતો. અગાઉ નવું વર્ષ 25 માર્ચ અથવા 25 ડિસેમ્બરે ઉજવવામાં આવતું હતું. રોમના પ્રથમ રાજા નુમા પોપલીસે રોમન કેલેન્ડરમાં થોડો બદલાવ કર્યો અને 2 મહિના ઉમેર્યા હતા. ત્યારપછી જાન્યુઆરી મહિનાને વર્ષનો પહેલો મહિનો માનવામાં આવે છે.

આ પણ વાંચો: Long Weekends In 2026: 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ ગેઝેટેડ અને રિસ્ટ્રિક્ટેડ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

સમોઆ અને નિયૂ ટાપુઓમાં છેલ્લે ઉજવાય છે નવું વર્ષ

કિરીટીમાટી ટાપુમાં નવા વર્ષની શરૂઆતની થોડી મિનિટો બાદ ન્યૂઝીલેન્ડના ટોંગા અને ચૈથમ ટાપુઓમાં પણ નવું વર્ષ ઊજવવામાં આવે છે. સૌથી છેલ્લે દક્ષિણ પેસિફિકમાં અમેરિકી સમોઆ અને નિયુ ટાપુઓમાં નવું વર્ષ ઉજવવામાં આવે છે. દુનિયાભરના દેશોના ટાઈમ ઝોન જુદા હોવાના કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે થાય છે. વિશ્વમાં સૌથી પહેલા આઈલેન્ડ ઓપ કિરિબાતી રિપબ્લિકના કિરિટીમાટી દ્વીપ પર નવા વર્ષની શરૂઆત થઈ. આ નાનકડો ટાપુ દેશ ભારતથી સાડા સાત કલાક આગળ છે. ભારત પહેલા 41 દેશમાં નવું વર્ષ શરૂ થઈ જાય છે, જેમાં ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ દેશોમાં ભારત પહેલા રાતના 12 વાગે છે. દુનિયાના જાણીતા શહેરોમાં નવા વર્ષની સૌથી પહેલી ઉજવણી ન્યૂઝીલેન્ડના નાગરિકો કરે છે.