હડદડ મહા પંચાયત ઘર્ષણ મામલે 18 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર, 47 જેલ હવાલે

Hadadad Mahapanchayat News: બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે 65 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે પૈકી પોલીસે 18 આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી.
બોટાદ કોર્ટે સુનાવણીના અંતે 18 આરોપીઓને આગામી 20 ઓક્ટોબર સુધી, એટલે કે છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. જ્યારે બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હડદડની આ ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અત્યાર સુધીમાં પોલીસે 65 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 20 આરોપીઓને પકડવાના બાકી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત
હડદડ ગામમાં SRPF તૈનાત
બોટાદમાં બનેલા આ બનાવ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ મહાનિદેશકની ઓફિસ ગાંધીનગરથી 12મી ઓક્ટોબરની રાત્રે જ બોટાદ ખાતે SRPFની કંપનીને તાત્કાલિક રિપોર્ટ કરવાના આદેશો પસાર કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ગામમાં પ્રવર્તી રહેલી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે SRPF રાત્રીભર તૈનાત છે. પોલીસે જણાવ્યું હતું કે હાલ હડદડ ગામમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે અને ગામમાં કડક પોલીસ તેમજ SRPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
બોટાદના હડદડ ગામમાં આજે 12 ઓક્ટોબરે ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી.