બોટાદના હડદડમાં ઘર્ષણ મામલે AAP-કોંગ્રેસના સરકાર પર પ્રહાર, રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત

AAP Statement on Botad Mahapanchayat: બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને પોલીસ બળપ્રયોગની ઘટના બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળવા અને શાંતિપૂર્ણ પંચાયત પર થયેલા પોલીસ દમન મામલે સરકાર અને પોલીસ તંત્રને સીધી ચેતવણી આપી હતી.
બોટાદ APMCમાં 'કડદા સિસ્ટમ'થી લૂંટનો આક્ષેપ
પત્રકારો સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય છે. તેમણે ખાસ કરીને બોટાદ APMC પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, 'ભાજપના નેતાઓના ઈશારે ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. ખેડૂતોને કપાસના પૂરતા ભાવ (MSP) મળતા નથી અને ઉપરથી વેપારીઓ તેમને 'કડદા સિસ્ટમ' દ્વારા લૂંટે છે, જે તાત્કાલિક બંધ થવી જોઈએ.' તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોની સમસ્યા સાંભળવાને બદલે મુખ્યમંત્રીના ઈશારે પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવ્યો.
હડદડ ગામમાં પોલીસ દમન, અઢીસો નિર્દોષોની ધરપકડનો આરોપ
ગઢવીએ હડદડ ગામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જ્યાં ખેડૂતો શાંતિપૂર્ણ રીતે પંચાયત કરી રહ્યા હતા, ત્યાં પથ્થરમારો થયો અને ત્યારબાદ પોલીસે આખા ગામને ઘેરી લીધું. 'મહિલાઓ અને બાળકો સહિત અઢીસોથી વધુ નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમને પાણી પણ નથી આપવામાં આવતું, માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.'
નોંધનીય છે કે આ અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે, જેમાં હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો પણ લગાડવામાં આવી છે.
આ પણ વાંચો: બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ
ભાજપના નેતાઓ-પોલીસને ચેતવણી:
'આપ' નેતાએ પોલીસ તંત્ર પર સીધો પ્રહાર કરતા આકરા શબ્દોમાં કહ્યું કે, 'તમે ભાજપના ઈશારે અંગ્રેજોની જેમ ગુલામી ન કરો. તમે પણ ખેડૂતોના દીકરા છો.'
તેમણે ભાજપના નેતાઓને પણ ચેતવણી આપી કે, 'આ અન્યાય ગુજરાતની જનતા ક્યારેય નહીં ભૂલે. તમે પોલીસનો ગમે તેટલો દુરુપયોગ કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો ડરવાના નથી.' આ સાથે ગઢવીએ જાહેરાત કરી કે આ વખતે તેમની ટીમો APMCમાં ઊભી રહેશે, જેથી કડદા સિસ્ટમ બંધ થાય.
ખેડૂતો સાથે કઠોર વ્યવહાર, બુટલેગરો સામે કોઈ કાર્યવાહી નહીં:કોંગ્રેસ
બોટાદની ઘટનાને મુદ્દે આજે કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફ્રન્સ યોજી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે ભાજપના સત્તાવાળાઓના ઈશારે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને ભાજપ હિંસા દ્વારા તેના 'કાળા કરતૂતો' છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યાં નાના વેપારીઓ અને સામાન્ય ખેડૂતોને કઠોર વ્યવહારનો સામનો કરવો પડ્યો છે, ત્યાં બુટલેગરો સામે કોઈ કાર્યવાહી નથી. કિસાન કોંગ્રેસે ખેડૂતોને ન્યાય મળે તે માટે 15 ઓક્ટોબરથી લડત વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે.
રાજ્યવ્યાપી આંદોલન સાથે હેલ્પલાઇનની 'આપ'ની જાહેરાત
આ અત્યાચારના વિરોધમાં 'આપ' દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળી પટ્ટી બાંધીને 'કાળા દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવી રહી હોવાની જાહેરાત કરાઈ છે. ગઢવીએ કહ્યું કે, માત્ર બોટાદ જ નહીં, ગુજરાતની તમામ 400થી વધુ APMCમાં જ્યાં લૂંટ ચાલી રહી છે, ત્યાં AAP દ્વારા ટીમો બનાવવામાં આવશે. તેમણે ખેડૂતોની સમસ્યાઓની જાણ કરવા માટે હેલ્પલાઇન નંબર 91049 18196 પણ જાહેર કર્યો છે.