વડોદરામાં રીલ લાઇક કરતાં પરિણીતાની ફસાઇ, જીમ સંચાલકે ચાકુ બતાવી આચર્યું દુષ્કર્મ
Vadodara News: એક અઠવાડિયા પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ થયા બાદ પરિણીત જિમ સંચાલકે એક સંતાનની માતાને મળવા માટે બોલાવી હોટલમાં બળાત્કાર ગુજારતાં પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીછે.
પોલીસના જણાવ્યા મુજબ,પીડિતાનો એક સપ્તાહ પહેલાં જ સાગર મકવાણા સાથે સોશ્યલ મીડિયા પર પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત થઇ હતી અને સાગરે પરિણીતાને મળવા માટે બોલાવી હતી. ગુરૂવારે સાંજે હરણી તળાવ પર મુલાકાત થયા બાદ સાગરે ક્યાંક શાંતિથી બેસીને વાતચીત કરીશું તેમ કહી પોતાના એક્ટિવા પર પીડિતાને ગોલ્ડન ચોકડી પાસે આવેલી સાંઇ શ્રધ્ધા હોટલના રૂમ નંબર 202માં લઇ ગયો હતો.
સાગરે પીડિતાને નાનુ ચપ્પુ બતાવી ધમકાવી હતી અને બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને પગલે ડઘાઇ ગયેલી પરિણીતાએ ગુરૂવારે સાંજે જ હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ એસવી વસાવાને જાણ કરી ફરિયાદ નોંધાવતા તેમણે ધમકી અને બળાત્કારનો ગુનો નોંધી ઘર નીચે જ એમડી ફિટનેસ નામે જિમ ચલાવતા સાગર અરૂણભાઇ મકવાણા(ડી-19,સાંનિધ્ય ટાઉનશિપ,ન્યુ વીઆઇપી રોડ)ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: મોરબી જુગાર કેસમાં 51 લાખનો તોડ, છ મહિને PI ગોહિલની ધરપકડ, કચ્છના આદિપુરમાં ઘરે આવતા ઝડપાયાં
સાગરની રીલ લાઇક કરતાં પરિણીતા ફસાઇ,સાગરને નંબર આપવાનો ઇનકાર કર્યો
એક સપ્તાહ પહેલાં જિમ સંચાલક સાગરે મુકેલી રીલને લાઇક કરનાર પરિણીતાને સાગરે સામેથી સંપર્ક કરીને ફસાવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે,સાગરે મૂકેલી રીલને પીડિતાએ લાઇક કરતાં સાગરે તેનો મોબાઇલ નંબર માંગ્યો હતો.પરંતુ પરિણીતાએ નંબર આપવાનો ઇનકાર કર્યો હતો.ત્યારબાદ સાગરે પોતાનો મોબાઇલ નંબર આપી વાતચીત કરી પરિણીતાને વાતોમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. હરણી પોલીસે હોટલમાંથી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવવા તજવીજ કરી છે.
પહેલી મુલાકાતમાં પરિણીતાને શંકા ના થાય તેવી વર્તણૂક કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે,એક સપ્તાહ પહેલાં સાગરે પરિણીતા સાથે વાતચીત કરવાનો આગ્રહ રાખ્યા બાદ પહેલી મુલાકાત કરી હતી.પરંતુ તેમાં પરિણીતાને કોઇ પણ પ્રકારની શંકા ના થાય તેની સાવચેતી રાખી હતી.ત્યારબાદ ગઇકાલે બીજી મુલાકાતમાં સીધી હોટલમાં લઇ ગયો હતો.
પીડિતા અને આરોપી બંને ને એક-એક સંતાન
હરણી ગોલ્ડન ચોકડી પાસેની હોટલમાં બળાત્કારના બનેલા બનાવમાં ભોગ બનનાર તેમજ આરોપી જિમ સંચાલક સાગર મકવાણા બંને પરિણીત છે અને એક-એક સંતાન પણ ધરાવે છે.