મ્યુનિ.માં સમાવાયેલા ભાટપોર ગામની સોસાયટીમાં મહિનાથી ઉભરાતી ગટર
નવી વસાહતમાં રોડ પર પાણી ભરાતા ગંદકી-મચ્છરોના ઉપદ્રવથી માધવ વિલા સોસોસટીના રહીશોને ભારે હાલાકી
સુરત,તા.19 જુલાઇ, 2020, રવિવાર
કોરોનાની મહામારી વચ્ચે સુરત મ્યુનિ.માં સમાવાયેલા ગામો ની હાલત બદ્તર થઈ રહી છે. ચોર્યાસીના ભાટપોર ગામ ની નવી વસાહતમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઈ રહી હોવા છતાં તેનું રીપેરીંગ નહીં થતાં આજુબાજુની સોસાયટી ના રહીશોને ભારે હાલાકી સાથે રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઇ છે.
ભાટપોર ગામમાં આવેલી નવી વસાહતમાં માધવ વિલા સોસાયટી આવેલી છે. આ સોસાયટી અને આજુબાજુની સોસાયટીઓમાં અંદાડે ૧૦૦૦ લોકો વસવાટ કરે છે. સોસાયટીના રહીશોએ મ્યુનિ.માં રજૂઆત કરી કે, સોસાયટીમાં આવવા-જવાનો રસ્તો ગામના મેઈન રસ્તા સાથે જોડાયેલો છે. આ રસ્તા વચ્ચે ગામના ડ્રેનેજના પાણીના નિકાલ માટે ગ્રામ પંચાયતે કામગીરી શરૃ કરી હતી દરમિયાન ગામનો મ્યુનિ.માં સમાવેશ થઇ જતા ગ્રામ પંચાયતે શરૃ કરેલા કામો બંધ થઇ ગયા હતા. જેમાં આ કામ પણ બંધ છે. જેના કારણે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઇ રહી છે. બીજા બધા કામો બંધ થઈ ગયા તે તો ચલાવી લેવાય એમ છે પણ ગટર ઉભરાવાથી અમારી સોસાયટીના રસ્તા પર પાણી ભરાયું છે અને કાદવ-કીચડ થઇ ગયો છે. જેના લીધે આવવા-જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. સાથે ગંદકી અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. જેથી તાત્કાલિક ઘટતુૂં કરવાની માંગ કરી હતી પણ હજી સુધી કોઇ કાર્યવાહી નહીં થતાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે.