Get The App

ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો 'પીપલ્સ ચોઈસ એવોર્ડ'

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો 'પીપલ્સ ચોઈસ એવોર્ડ' 1 - image


Gujarat Vande Mataram Tableau: 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના 'સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ્' થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિવસે પરેડમાં 'પોપ્યુલર ચોઇસ એવોર્ડ' શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

43 ટકા વોટ સાથે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ સાથે

કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર 26મી જાન્યુઆરીથી શરૂ કરી 27મી જાન્યુઆરી રાત સુધી યોજાયેલા મતદાનમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ કલાકથી બીજા દિવસના અંત સુધી સતત અગ્રેસર રહીને કુલ 43 ટકા વોટ સાથે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થયો હતો. દ્વિતિય ક્રમે રહેલા ઉત્તર પ્રદેશને 9 ટકા મત મળવા પામ્યા હતા, જ્યારે બાકીના 15 રાજ્યોએ અનુક્રમે મત મેળવ્યા હતા. આ વર્ષે કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગે પ્રસ્તુત કરેલા ટેબ્લોમાં વંદે માતરમ્ અને સ્વદેશી ચળવળના સમન્વયથી ઉદ્ભવેલી આઝાદી માટેની ક્રાંતિ અને આત્મનિર્ભરતા માટે સ્વદેશીના મંત્રની યાત્રાને તાદ્રશ રીતે રજૂ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: જામનગરમાં પોલીસ ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ, બે ઉમેદવારો દોડમાં છેતરપિંડી કરતા ઝડપાયા

ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી છે. આ પરેડમાં રાજ્ય સરકારે 'ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત'ના ટેબ્લોમાં વડાપ્રધાન પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી. વર્ષ-2024ના 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજૂ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો.

30મી જાન્યુઆરીએ પુરસ્કાર એનાયત થશે

આગામી 30મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને આ ગૌરવપૂર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.