ગાંધીનગરને કમલમ સદે કે ના સદે પણ ડ્રેગન ફ્રૂટ 'કમલમ' ગુજરાતને ફળ્યું, 8000 ટનની બમ્પર ઉપજ
Dragon Fruit Cultivation In Gujarat: શિયાળામાં સફરજન ભલાને ઉનાળામાં કેરી તો ચોમાસામાં ચીકું ભલા, ડ્રેગન ફ્રૂટ બારેમાસ. જુનથી ઓક્ટોબરનો મહિનો ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટનો મહિનો છે કારણ કે, આ વખતે એક સમયના વિદેશી અને હવે દેશી કમલમ્ એવા ડ્રેગન ફ્રૂટની આવકમાં આ સીઝનમાં 50 ટકાનો વધારો થયો છે. આયર્નની વિપુલ માત્રા ધરાવતું ગઈકાલનું વિદેશી ફળ આજે દેશના રસ્તામાં એક નવો ગુલાબી રંગ ઉમેરે છે. વર્ષ 2005માં જ્યારે આ ફ્રૂટ ગુજરાતી પરિવારોની આંખે નવું સવું ચઢ્યું હતું ત્યારે તેની કિંમત 300થી લઈને 500 રૂપિયા પ્રતિ કિલો હતી. આજે 100 રૂપિયા પણ વેપારી પોતાની ગરજ સાથે વેચે છે. લોકો ચાખવા માટે એક નંગ 100 રૂપિયાના ભાવે ખરીદતા જે આજે 20 રૂપિયામાં મળે છે.
ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટનું બમણું ઉત્પાદન નોંધાયું
વર્ષે 2025માં ગુજરાતની 2000 એકર ધરતીમાં 8000 ટન ડ્રેગન ફ્રૂટનો માતબર પાક થતાં વર્ષ 2024 કરતાં 20 ટકા વધ્યું છે. ડ્રેગન ફ્રૂટનો પ્લાન્ટ જેમ જેમ જૂનો થાય તેમ તેમ વધુ ફળદ્રુપ થાય. જેના કારણે શરૂઆતથી આજ દિન સુધીમાં બમણું ઉત્પાદન નોંધાયું છે. 2024માં ડ્રેગન ફ્રૂટ કમલમ્નું ઉત્પાદન 4000 ટનની આસપાસ હતું જે વધી રહ્યું છે. ગુજરાતમાં એક માત્ર કચ્છમાંથી 60 ટકા ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરે છે.
કચ્છમાં ડ્રેગન ફ્રૂટની સફળતા બાદ તેની અસર ગુજરાતના અન્ય છ જિલ્લાઓ પર પણ પડી અને હોર્ટિકલ્ચર વિભાગે ગુજરાતના નવસારી, સુરેન્દ્રનગર, ભરૂચ, મહિસાગર, પંચમહાલ અને બનાસકાંઠામાં પણ તેનો પ્રયોગ કર્યો, જે ખૂબ સફળ રહ્યો. હાલ ગુજરાતના ખેડૂતો આ ફળને યુરોપના દેશો ઉપરાંત મધ્ય એશિયાના દેશોમાં ઓક્સપોર્ટ કરે છે. ખાસ કરીને લંડન અને બહેરીનમાં તેની વિશેષ માંગ છે.
2000ની સાલમાં પહેલીવાર તેનું નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વાવેતર થયું હતું. વર્ષ 2005-2006માં તેનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો. વર્ષ 2021માં ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2018માં કચ્છમાં કમલમનો વ્યાપક ફેલાવો શરૂ થયો હતો. આજે દર વર્ષે ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં 15 ટકાનો વધારો થઈ રહ્યો છે.
કમલમ 25-35 ડિગ્રી તાપમાનમાં સારી રીતે ઉગે છે
હોર્ટિકલ્ચર નિષ્ણાંતોના મતે કમલમ 25.35 ડિગ્રી સેલ્સીયસમાં વધુ સારી રીતે ઊગે છે. તેમાં ડ્રીપ ટપક સિંચાઈ પદ્ધતીનું આગવું મહત્ત્વ છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકદમ વધુ પાણી આપવાને બદલે ધીમે ધીમે પાણી આપવાથી તે વધુ ફળ આપે છે. જો જમીન અનુકૂળ આવે તો તેમાં વિશેષ તકેદારી નથી. જ્યારે તેનો થોર જેવો છોડ શરુઆતના તબક્કામાં હોય ત્યારે પ્રતિ હેક્ટર 8-10 ટનનો ઉતાર આવે છે, પરંતુ જેમ જેમ કમલમનો છોડ જૂનો થાય છે તેમ તેમ 15-20 ટનનો ઉતાર આવે છે.