Get The App

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, 'જય અંબે' ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, 'જય અંબે' ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા 1 - image


Ambaji Bhadarvi Poonam: શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (પહેલી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવી સંભાવના છે. હાલ મંદિરને જોડતા માર્ગો પર સંઘો જોવા મળી રહ્યા છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ બાદ દર્શન થઈ શકશે નહીં. 

દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા

ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ 7 તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે. 

દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સિનીયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, સાઈનેજિસ, ફ્‌લોર કાર્પેટ, ફ્‌લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, 'જય માતાજી'નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર

શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરાવી શકે છે

•1 લાખ 83 હજાર 855 ચોરસ મીટર એરિયામાં કુલ 35 જેટલા પાર્કિંગ કરાયા છે. જેમાં કુલ 22541 કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર 23 તથા હડાદ રોડ પર 12 પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે.

•શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show My Parking એપની ઓનલાઇન સુવિધા. પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા-આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા.

•પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ 1000થી 1200 ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. 1 ઘાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે. 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.

•યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

•સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો. 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ. 

મહામેળા દરમિયાન દર્શનનો સમય 

સવારે 6થી 6.30ના આરતી, સવારે 6થી 11.30ના દર્શન, સવારે 11.30થી 12.30ના દર્શન બંધ, બપોરે 12.30થી સાંજે 5 દર્શન, સાંજે 5થી રાતે 12 સુધી દર્શન. રાતે 12થી સવારે 6 વાગ્યે દર્શન બંધ રહેશે.

Tags :