ગુજરાતમાં લોકડાયરાને ગુનાખોરીનું ગ્રહણ: માથાભારે શખસોના કારણે પોલીસે કરવો પડે છે હસ્તક્ષેપ
AI Images |
Ahmedabad News: 'ડાયરો' શબ્દ ગામના 'ડાહ્યા' અને 'રો' એટલે ડાહ્યરો પરથી સમજદારોની બેઠક. શબ્દ 'ડાહ્યરો' અપભ્રંશ થઈને 'ડાયરો' બન્યો. પરંતુ હવે ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિના કેન્દ્રમાં રહેલી લોકકલા ગુનાઓથી રંજીત થવા લાગી છે. સામાન્ય રીતે લોકકલામાં પોલીસને હસ્તક્ષેપ કરવો એવું ક્યાંય બનતું નથી. પરંતુ લોકડાયરામાં અવારનવાર પોલીસને હસ્તક્ષેપ કરવો પડે એવી ઘટનાઓ રાજ્યમાં સામાન્ય બની રહી છે. સ્ટેજ પર બેસનાર વ્યક્તિ ખરા અર્થમાં વ્યવહારિક જીવનમાં વાતો કે આચરણ કેવું કરે છે તે પણ મહત્ત્વનું છે. ગામના શિક્ષકો, અગ્રણીઓ, આગેવાનો સહપરિવાર ડાયરામાં આગળની હરોળમાં બેસતાં. પૈસા કરતાં વ્યક્તિવિશેષનું મહત્ત્વ હતું. પરંતુ કેટલાંક સમયથી ડાયરાની તાસીર બદલાઈ છે.
ડાયરામાં થયેલી બબાલોને કારણે પોલીસને દખલગીરી કરવી પડી
ગીર સોમનાથ પોલીસ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ખવડની હત્યા કરવાની કોશિશ સહિતના હુમલા બદલ જે પરપકડ થઈ છે તે કોઈ નવી વાત નથી. એકલા દેવાયત ખવડ પર જ સાતથી વધુ ફરિયાદો થઈ છે. દર વર્ષે અવારનવાર ઘટનાઓમાં ડાયરાના કલાકારો અને માથાભારે આયોજકો કે શ્રોતાઓ વચ્ચે ડખા થવાથી ગુજરાત પોલીસને દખલગીરી કરીને સમાધાન કે લાલઆંખ બતાવીને તમામ મામલાને શાંત પાડવાની કામગીરી ભજાવવી પડે છે.
છેલ્લા 5 વર્ષમાં ડાયરામાં થયેલી બબાલોને કારણે ગુજરાત પોલીસને દખલગીરી કરવી પડી હોય એવી અંદાજિત સૌથી વધુ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. ડાયરામાં ગેરકાયદે રીતે ફાયરિંગ કરવું, ડાયરામાં રૂપિયાની ચલણી નોટો ઉડાડવામાં આંતરિક ગૃહવિવાદો, ગુહવિવાદ જાતિ વાચક શબ્દોને લીધે થયેલી આંતરીક સોશિયલ મીડિયાની લડાઈઓ, ચાલુ ડાયરામાં થતી મારામારીઓ અને ઓપન ફાયરિંગની ઘટનાઓમાં પોલીસને અવારનવાર હસ્તક્ષેપ કરવો પડે છે.
આ પણ વાંચો: દેવાયત ખવડ સહિત સાત આરોપીના રિમાન્ડ નામંજૂર, કોર્ટે સાતેયને જામીન આપ્યા
આ અંગે ગુજરાતના પદ્મ શ્રી પ્રાપ્ત જાણીતા કલાકાર નામ ન આપવાની શર્તે જણાવે છે કે, 'જ્યાં સુધી ડાયરાની મોજ ગ્રામ્ય સંસ્કૃતિ સુધી સીમિત હતી. ત્યાં સુધી તેનું સુંદર લોકસ્વરૂપ લોકો માણતા પરંતુ હવે શહેરોમાં પણ સ્પર્ધાઓને કારણે ડાયરાઓએ પોતાનું અસલ સ્વરૂપ ગુમાવ્યું છે. લોકડાયરામાં રાજકારણ અને જુથવાદો પણ ભળ્યા છે. છેલ્લા 2 વર્ષમાં વીસથી વધુ ફરિયાદો ડાયરાના કલાકારો સામે થઈ છે અને તેનાથી પણ વધુ સ્થાનિક રાજકારણીઓની મદદથી માંડવાળ થઈને ફાઈલ થઈ ગઈ છે. કેટલાંક વર્ષ પહેલાં જાણીતી લોકગાયિકાએ મોડી રાતે પૈસાની બાબતે રિવોલ્વર બતાવીને વિવાદ ઊભો કર્યો હતો, જે સ્થાનિક ગેંગસ્ટરોની મદદથી સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.'
ડાયરા સંબંધિત થયેલા કેસોની તવારીખો
•રાજભા ગઢવી દ્વારા આદિવાસીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરીને આદિવાસીઓને નારાજ કર્યા હતા. ચૈતર વસાવાએ શાબ્દિક ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને આદિવાસીઓ ધરણા પર બેસવા તૈયાર થયા હતા.
•વર્ષ 2020માં નાયક સમાજ વિશે કિર્તીદાન સામે અપમાનજનક શબ્દો બોલવાને કારણે ફરિયાદ થઈ હતી. જે માફી માંગતા ઘટના થાળે પડી હતી.
•સાળંગપુર હનુમાન ખાતે ચાલુ ડાયરામાં હત્યા થઈ હતી. જેનો કેસ વર્ષો સુધી ચાલ્યો હતો.
•ચાલુ ડાયરામાં તાલેબાનોની જેમ કાયદાની ઐસી તૈસી કરીને અસંખ્ય ફાયરિંગની ઘટનાઓ.