વિદેશમાં રહેતા ભાઈ-બહેનોએ વર્ચ્યુઅલી રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી
Virtual Raksha Bandhan: ભારતમાં શનિવારે (9 ઓગસ્ટ) નારિયેળી પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ વિદેશમાં ભારતીય તહેવારોની રજા ન હોવાથી સુરતમાં રહેતી બહેનોએ વિદેશમાં રહેતા ભાઈને આજે 10 ઓગસ્ટે, રવિવારે રાખડી બાંધી હતી. નવાઈની વાત એ છે કે, હજારો કિ.મી. દૂર રહેતા ભાઈને રાખડી બાંધવા માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવી હતી. આ રક્ષાબંધન વર્ચ્યુઅલ રીતે ઊજવાઈ હતી, પરંતુ લાગણીઓ સાચી હતી.
બહેનોએ ઉજવી વર્ચ્યુઅલ રક્ષાબંધન
સુરતમાં રહેતી બહેનોએ વિદેશમાં રહેતા ભાઈઓને વીડિયો કોલ કરીને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. આ દરમિયાન બહેનો દ્વારા વીડિયો કોલ મારફતે રાખડી બાંધતા, તિલક કરતા અને મીઠાઈ ખવડાવતા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.
વિદેશમાં રહેતા લોકો માટે ટેક્નોલોજી બની આશીર્વાદરૂપ
વર્ષો પહેલાં અન્ય શહેર કે વિદેશમાં રહેતા ભાઈઓને રક્ષાબંધનની રાખડી પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલાતી હતી. પરંતુ તે ક્યારેક મોડી પહોંચતી તો ક્યારેક અટવાઈ જતી તેવા અનેક કિસ્સા ભૂતકાળમાં બનતા હતા. જો કે, હાલ ટેકનોલોજીના કારણે એક વીડિયો કોલથી હજારો કિલોમીટર દૂર ભાઈ બહેનો વર્ચ્યુઅલી રક્ષાબંધન ઉજવી રહ્યાં છે. સુરત-દક્ષિણ ગુજરાતમાંથી કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવા શહેરમાં અનેક લોકો રોજગારી કે અભ્યાસ માટે ગયાં છે અને અનેક ત્યાં સ્થાયી પણ થયાં છે. પરંતુ તેમના ભાઈ અથવા બહેન ભારતમાં છે આવા લોકો માટે વર્ચ્યુઅલ રક્ષાબંધન આશીર્વાદરૂપ છે.
કેવી રીતે ઉજવી વર્ચ્યુઅલ રક્ષાબંધન?
સુરતમાં રહેતી ધીયારા ઠક્કરના ભાઈઓ જિમી કાપડિયા અને સ્વપ્નિલ અભ્યાસ માટે કેનેડા છે ત્યાં રક્ષાબંધનની રજા મળતી નથી. વિકએન્ડ્સમાં ભારત અને કેનેડાનો સમય એડજસ્ટ કરીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં બેઠેલી બહેન હાથમાં રાખડી લઈને મોબાઈલ સ્ક્રીન સામે લઈ જાય છે અને કેનેડામાં બેઠેલા ભાઈ હાથ લાંબો કરે છે. બહેન જાણે સાચે રાખડી બાંધતી હોય તે રીતે મોબાઈલ ફોન પર જ રાખડી બાંધી દે છે. એટલું જ નહીં પરંતુ મોબાઈલ પર જ કંકુનું તિલક-ચોખા મૂકવા સાથે રાખડી બાંધ્યા બાદ ભાઈનું મોઢું પણ ઓનલાઈન જ મીઠું કરાવી દે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા
બીજી તરફ ન્યૂઝીલેન્ડમાં રહેતી રિદ્ધિ દેસાઈનો ભાઈ મિહિર પાનવાલા વલસાડમાં રહે છે તેણે પણ આ જ પ્રકારે વર્ચ્યુઅલ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ન્યૂઝીલેન્ડમાં વિકએન્ડ્સમાં ભારતમાં ભાઈને અનુકૂળ આવે ત્યારે વીડિયો કોલ કરીને ભાઈને રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું હતું. આમ હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) રક્ષાબંધનનો ટ્રેન્ડ વિદેશમાં વસતા પરિવારો માટે આશીર્વાદ સમાન છે. હજારો કિલોમીટર દૂર હોવા છતાં ટેક્નોલોજીની મદદથી હજારો ભાઈ- બહેનો પોતાના તહેવારની ઉજવણી કરવા સાથે એકબીજાને જોઈ પણ શકે છે અને તહેવારની ઉજવણી પણ કરી શકે છે. આવી રીતે તહેવારની ઉજવણી થાય છે ત્યારે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળે છે.
ભાઈઓ પણ ટેક્નોલોજીની મદદથી બહેનોને ગિફ્ટ મોકલે છે
સુરત કે ભારતમાં ભાઈ બહેનો સામ સામે મળીને રક્ષાબંધનની ઉજવણી કરે છે ત્યારે ભાઈ બહેનના હાથમાં સીધી ગિફ્ટ આપે છે. પરંતુ, દૂર રહેતા ભાઈઓ પણ હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલી ગિફ્ટ આપી છે. હવે એવી અનેક એપ્લિકેશન આવી ગઈ છે, જે તમે કહો ત્યાં ગિફ્ટ ડિલિવર કરી શકે છે. જેથી રાખડી બાંધી હોય તેના ગણતરીના કલાકોમાં ભાઈની ગિફ્ટ બહેનને મળી જાય છે.