Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સહિત કુલ 3 વિદ્યાર્થી પર છરી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શાળાના ગેટની બહાર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો
જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને આજે સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં RTE એડમિશન માટે તૈયારીઓ શરુ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો
પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધોરણ 10ના સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ ખૂનીખેલથી પોલીસ પણ સ્તબ્ધ છે.
ભોગ બનનારના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. શાળાની બહાર ધોળા દિવસે બનેલી આ ઘટનાએ વાલીઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.


