Get The App

ઠંડી કે માવઠું? આગામી 5 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
ઠંડી કે માવઠું? આગામી 5 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી 1 - image


Gujarat Weather Update: હાલ ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. વહેલી સવારમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત્ રહે તેવા અણસાર છે. 

ઠંડી કે માવઠું? આગામી 5 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, જાણો હવામાન વિભાગની આગાહી 2 - image

ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો

હવામાન વિભાગ મુજબ હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે. આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 5 દિવસ લધુતમ તેમજ મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે. ઉત્તર-પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરા(પવન)ને કારણે કડકડતી ઠંડી પડશે. 

9 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ નહીં: હવામાન વિભાગ

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે, આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાના કોઈ સંકેત નથી, વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેશે. 

લા-નીના લાવશે કમોસમી વરસાદ?

બીજી તરફ હવામાન નિષ્ણાંતોનો અંદાજ છે કે ભારતના હવામાન પર હાલ લા-નીનાની ગાઢ અસર થશે જેથી આવનાર 15 જાન્યુઆરી સુધી ઠંડીમાં વધારો થઈ શકે છે, ઉત્તરમાં બરફવર્ષા તો કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે.

લા નીના શું છે?

લા નીના એ 'અલ નીનો-સાઉથર્ન ઓસિલેશન' (ENSO) ચક્રનો એક ભાગ છે. લા-નિના એ અલ-નિનોનાની વિરુદ્ધ અસર છે. આ સમયગાળા દરમિયાન, પૂર્વીય અને મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઠંડું થઈ જાય છે. આ ઠંડું પાણી પવનની દિશા અને ગતિમાં ફેરફાર લાવે છે, જે વૈશ્વિક સ્તરે વરસાદ, તાપમાન તેમજ વાવાઝોડાની પેટર્નને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે જોઈએ તો લા નીના બેથી સાત વર્ષના ચક્રમાં જોવા મળે છે અને તેની અસરો કેટલાક મહિનાઓથી લઈને બે વર્ષ સુધી રહી શકે છે.

ભારતના ભાગોમાં લા નીનાની શું અસર થાય?

ભારતમાં લા નીનાની અસર સામાન્ય રીતે સારા ચોમાસાના રૂપમાં જોવા મળે છે. લા નીના વર્ષો દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના રહે છે, જે કૃષિ માટે ફાયદાકારક સાબિત થાય છે. જોકે, કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. હાલ શિયાળાની ઋતુમાં જો લા નીના અસર કરે તો કેટલાક સ્થળે છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. 

આ પણ વાંચો: તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો