Get The App

તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
તાલાલામાં બાઈક, આઈસર અને નારિયેળ ભરેલા છકડા વચ્ચે ભયંકર ટક્કર, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો 1 - image


Gir Somnath News: આજે મંગળવારે ગીર સોમનાથ જિલ્લામાં 'અમંગળ' અકસ્માત સર્જાયો છે. તાલાલા તાલુકામાં સુરવા-માધુપુર વચ્ચે ટ્રિપલ અકસ્માત થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત થયા, જેમાં બાઈક સવાર કાકા-ભત્રીજા અને નારિયેળ ભરેલો છકડો ચલાવનારે પણ જીવ ગુમાવ્યો છે.

બાઈક, છકડો અને આઇસરની ટક્કર

અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ બાઈક, નારિયેળ ભરેલો છકડો (રિક્ષા) એક આઇસર ટ્રક વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે ત્રણ વ્યક્તિઓનો પળવારમાં જીવ જતો રહ્યો હતો.  મૃતકોની ઓળખ કિશોર, પ્રભુદાસ અને દીક્ષિત તરીકે થઈ, જેમાં કાકા-ભત્રીજાનું પણ મોત થયું છે. ચૈતન્ય હનુમાન મંદિર પાસે થયેલા ટ્રિપલ અકસ્માતની ખબર આસપાસના પંથકમાં વાયુ વેગે પ્રસરી જતાં અનેક લોકોએ દોડી આવી બચાવકાર્યમાં મદદ કરી હતી. મૃતક કાકા-ભત્રીજા બાઈક લઈને લગ્નની ખરીદી માટે ગયા હતા જ્યાં કાળનો ભેટો થયો હતો.

મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા

અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસ વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને તાલાલાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતે ગુનો નોંધી ટક્કર કેવી રીતે થઈ તેની તપાસ આદરી છે.

આ પણ વાંચો: જામનગરમાં રખડતા ઢોરનો આતંક, આખલાએ શીંગડા અને પગ વડે યુવકને રીતસર મસળી નાખ્યો

'એક કલાક છતાં 108 ન આવી'

બીજી તરફ 108ને પણ જાણ કરવામાં આવી હતી પણ હાજર લોકોનો દાવો છે કે કલાક ઉપર સમય વીતી ગયો હોવા છતાં 108 એમ્બ્યુલન્સ આવી ન હતી જેથી ઘાયલો અને મૃતદેહોને ખાનગી અને પોલીસ વાહનમાં લઈ જવાની ફરજ પડી હતી. હાલ ટ્રીપલ અકસ્માતની ઘટના બાદ પંથકમાં સોંપો પડી ગયો છે. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ છે.