mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી, છ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર

Updated: May 19th, 2024

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી, છ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ જાહેર 1 - image


Gujarat Weather : ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લુનું એલર્ટ છે. જણાવી દઈએ કે, રાજસ્થાન અને પંજાબમાં પણ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ સરબત, ઠંડાપીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

આગામી પાંચ દિવસ ઉષ્ણ લહેરની ચેતવણી

હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળશે. તારીખ 19 થી 23 મે સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી કરાઈ છે. 

આજે સૌથી વધુ તાપમાન કયા જિલ્લામાં નોંધાયું?

IMDના અનુસાર, આજે(19 મે) બપોરના સમયે રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 44 ડિગ્રી, ડીસામાં 44 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમદાવાદમાં 43 ડિગ્રી, ભાવનગરમાં 43 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, પોરબંદરમાં 37 ડિગ્રી, ઓખામાં 35 ડિગ્રી, વેરાવળમાં 33 ડિગ્રી, દીવમાં 33 ડિગ્રી, અને દ્વારકામાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગઈકાલે સુરેન્દ્રનગર સૌથી ગરમ

ગઈકાલે(18 મે) રાજ્યના સુરેન્દ્રનગમાં 44.7 ડિગ્રી, બનાસકાંઠામાં 44.4 ડિગ્રી, અમદાવાદમાં 44.2 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી, કચ્છમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 43.7 ડિગ્રી, અમરેલીમાં 43.3 ડિગ્રી, આણંદમાં 43.1 ડિગ્રી વડોદરામાં 42.2 ડિગ્રી, જૂનાગઢમાં 41.5 ડિગ્રી, ભાવનગરમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગરમીની અસર : હવામાન વિભાગે ગરમીની આગાહી સાથે લોકો માટે સાવધાની રાખવા કેવા પગલા લેવા તે અંગે પણ જણાવ્યું હતું. હવામાન વિભાગે કહ્યું હતું છે કે, સામાન્ય તંદુરસ્તી ધરાવતા લોકો માટે મધ્યમ તાપમાન સહન થઈ શકે છે. પરંતુ, વૃદ્ધ, ગંભીર બીમાર, નાના બાળકો સહિતના લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ રહે છે.

સાવચેતીના પગલા : હવામાન વિભાગે ભારે ગરમીના કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગે ગરમીની બચવાના ઉપાયો વિશે જણાવતા કહ્યું છે કે, ભારે ગરમીમાં ગરમીના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આછા રંગના કપડા પહેરવા જોઈએ, સાથે વજનમાં હળવા અને સુતરાઉ કાપડના કપડા ગરમીમાં રાહત આપે છે. આ સિવાય ગરમીમાં હંમેશા માથુ ઢાંકવું જોઈએ.

વાવાઝોડાના એંધાણ : હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે. પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. 22 મેએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે. જે લો પ્રેશર 24 મેએ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે. ડિપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે. આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે.

Gujarat