આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ બે જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની શરુઆતની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, આજે બપોર સુધી મેઘરાજા થોડા ખમૈયા કરી શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ છે અને બાકીના જિલ્લાઓમાં યલો ઍલર્ટ છે.
સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી ભાવનગર અને અમરેલીમાં ઑરેન્જ ઍલર્ટ રહેશે. જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યભરમાં બાકીના જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી
નોંધનીય છે કે, આવનારા બે દિવસમાં વરસાદમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવાર અને ગુરુવાર (9-10 તારીખ) દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં યલો ઍલર્ટ છે, જેથી ત્યાં મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદમાં રાહત મળશે.