ગુજરાતના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
IMD Gujarat Rain Update : ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે. 16મી ઓગસ્ટે (શનિવાર) સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર અને ખેડામાં નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક નદી-નાળા છલકાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી કલાકોમાં એટલે કે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે તંત્રએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ
જાણો કયા જિલ્લામાં કયું એલર્ટ
રેડ એલર્ટ :
સુરત, વલસાડ, દેવભૂમિ દ્વારકા અને દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ:
પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે અને તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
યલો એલર્ટ:
ઉપરોક્ત જિલ્લાઓ સિવાયના બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજ્યમાં અચાનક થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન થોડું પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે.