આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Gujarat Weather Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.75 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં અત્યાર સુધીમાં અનરાધાર 12.56 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેર
આજે ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા આજે 20 ઑગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ 21 ઑગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 25 ઑગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બેઠકમાં NDRF અને SDRF અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. વધુમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી.
સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઇસ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇઍલર્ટ, 27 જળાશયો ઍલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ઍલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.
સરદાર સરોવર ડેમની સ્થિતિ
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઇ ઍલર્ટ, 29 ડેમને ઍલર્ટ તથા 21 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે 20 ઑગસ્ટ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.