ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદમાં સાબરમતી બે કાંઠે, બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ
Ahmedabad News : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક ડેમો છલકાયા છે. જેમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદની સાબરમતી નદી બંને કાંઠે વહેલા લાગે છે. સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતાં રિવરફ્રન્ટ પરના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળ્યા છે. જેમાં બાકરોલ ગામ નજીક નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા 25 જેટલાં શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ
મળતી માહિતી મુજબ, સાબરમતી નદીનામાં ડેમના પાણી છોડવામાં આવ્યા છે, ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. જેમાં નદીમાં જળસ્તર વધતાં અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે નદી પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરીમાં રોકાયેલા 20થી 25 જેટલાં શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટના મામલે અમદાવાદ ફાયર વિભાગની ટીમ ચાર-પાચ ગાડીઓ અને ત્રણ બોટ સાથે પહોંચી હતી. આ પછી નદીના પ્રવાહમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી નદી છલકાઈ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં
તમને જણાવી દઈએ કે, સુભાષ બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન જ્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી માટેનો કેટલોક સામાન પણ તણાયો હોવાનું સામે આવ્યું છે.