માવઠાના કારણે ગુજરાતનાં ખેડૂતો તબાહ: 10 લાખ હેક્ટરમાં નુકસાન, 7 દિવસમાં સર્વેનો આદેશ

Farmers Devastated in Gujarat: ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યાં છે કારણ કે, ખેતરોમાં વરસાદી પાણી ભરાતાં ઊભા પાક ધોવાયાં છે. શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને મોટાપાયે નુકશાન પહોચ્યું છે. ખુદ સરકારનો અંદાજ છે કે, આખાય ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકશાન થયું છે.
સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાકને ભારે નુકશાન
સૌરાષ્ટ્રના પાંચેક જિલ્લામાં સૌથી વધુ પહોચ્યું હોવાના અહેવાલ છે ત્યારે આગામી દિવસોમાં જ પાક નુકશાનીનો સર્વે કરાશે અને તે આધારે ખેડૂતોને રાહત સહાય ચૂકવાશે. ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે કહેર મચાવતાં ખેતીને નુકશાન થયુ છે. હજુ તો હવામાન વિભાગની આગાહી છે કે, આગામી ત્રણેક દિવસમાં ઘણાં જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ માવઠાને કારણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં મગફળી, કપાસ અને અન્ય પાકોને ભારે ફટકો પડ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારમાં ડાંગર ઉપરાંત રોકડિયા પાકોને નુકસાન પહોચ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ ખેતીના નુકશાનથી બાકાત રહી શક્યુ નથી.
કમોસમી વરસાદથી થયેલા પાક નુકશાનની સ્થિતી જાણવા માટે કેબિનેટ મંત્રીઓને જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતાં જેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી તે આધારે આજે કેબિનેટમાં રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.


