સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો
Gujarat Government: રાજ્યમાં 100 ટકા જેટલો સિઝન વરસાદ પડી ગયા પછી હવે સરકાર જાગી છે અને તાત્કાલિક રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના કામોનો ધારાસભ્યની ગ્રાંટમાંથી આપવામાં આવતા લોકફાળાની ટકાવારી વધારવાનું યાદ આવ્યો છે. ધારાસભ્યની ગ્રાટમાંથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીમાં, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટમાં હાથ ધરવામાં આવતા કામોમાં જળસંચય (રેઈન વૉટર હાર્વેસ્ટિંગ)ના કામોનો સમાવેશ કરવા બાબત એક ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્યની ગ્રાંટમાંથી 20 ટકા લોકફાળો આપી શકાશે.
ઠરાવ 10મી સપ્ટેમ્બરે જાહેર કરાયો
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ઠરાવ હેઠળ હવે ધારાસભ્યની ગ્રાંટમાંથી ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટમાં જળસંચય (રેઇન વોટર હાર્વેસ્ટિંગ)નો સમાવેશ કરી શકાય તેવી જોગવાઈ કરાઈ છે. આ ઠરાવ 10મી સપ્ટેમ્બરે જાહેર કરાયો છે અને તેમાં જણાવાયું છે કે, 'હવે પરકોલેશન વેલ, ખંભાતી કૂવો, રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અથવા જુના બોરવેલને રીચાર્જ કરવાનો ખર્ચ જનભાગીદારી ઘટક હેઠળ ધારાસભ્યની ગ્રાંટમાંથી 20 ટકા લોકફાળો ફાળવી શકાશે.'
આ ઠરાવ અનુસાર, અગાઉનાં નિયમોમાં ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓને ત્યાં 10 ટકા લોકફાળાની રકમ ધારાસભ્યની ગ્રાંટમાંથી આપવાની જોગવાઈ હતી. હવે તેમાં સુધારો કરી અન્ય તમામ ખાનગી હાઉસિંગ સોસાયટીઓને પણ આ યોજનમાં જોડવામાં આવી છે અને લોકફાળો 20 ટકા સુધી કરી દેવાયો છે. શહેરી વિભાગ દ્વારા થોડા વર્ષોમાં પાણી સાધન સંરક્ષણ તથા જળસંચય વિધેયક ઉપાયો માટે વિવિધ ઝુંબેશો અંકિત કરી છે. નવા ઠરાવ દ્વારા શહેરોમાં જળસંચયના સાધનો ઊભા કરવાનો ઉદેશ્ય છે, જેથી મોટા પ્રમાણમાં વરસાદે પડતું પાણી જમીનમાં ભળી શકે, પાણીના સ્તર વધે અને શહેરોમાં પાણીથી રાહત મળી શકે.