ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશીપ ફરજિયાત પણ અસ્પષ્ટતા હોવાથી મૂંઝવણ

Gujarat University: નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુજી કોર્સીસના વિદ્યાર્થીઓએ પાંચમાં સેમેસ્ટરમાં ઈન્ટર્નશિપ કરવી ફરજીયાત છે. એવામાં ગુજરાતમાં 2023થી નવી નીતિનો અમલ થયો હોવાથી આ વર્ષે પાંચમાં સેમેસ્ટરના આવનારા કે હાલ પાંચમા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓએ હવે ઈન્ટર્નશિપ કરવાની ફરજીયાત છે. જો કે, ઘણી કોલેજોમાંથી આ મુદ્દે વિદ્યાર્થીઓને કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે તેઓએ ક્યારે અને ક્યાં ઈન્ટર્નશિપ કરવી .જેથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે.
આ પણ વાંચોઃ ચિંતાજનક સ્થિતિ: ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ
નવી શિક્ષણ નીતિમાં ઈન્ટર્નશિપની જોગવાઈ
ધો.12 પછી સાયન્સ, આર્ટસ, કોમર્સ સહિતના વિવિધ ફિલ્ડમાં યુજી કોર્સીસ કરતા બેચલર ડિગ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણવા સાથે પ્રેક્ટિકલ નોલેજ મળે, ઈન્ડસ્ટ્રી તેમજ એકેડમિક સંસ્થાઓ વચ્ચે સંકલન સધાય તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને ત્રીજા-ચોથા વર્ષમાં ઈન્ટર્નશિપની જોગવાઈ કરવામા આવી છે. જેમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પાંચમાં સેમેસ્ટરમાં કે સેમેસ્ટરના અંતે ઈન્ટર્નશિપ કરવી ફરજીયાત છે. ચોથા સેમેસ્ટર બાદ વિદ્યાર્થીએ કરવી પડતી આ ફરજીયાત ઈન્ટર્નશિપમાં ઈન્ડસ્ટ્રી, કંપની, એનજીઓ કે અન્ય સંસ્થામાં 60થી 120 કલાકની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડશે. આ ઈન્ટર્નશિપના કુલ 4 ક્રેડિટ ગુણ છે અને જે સાથે મેજર સબ્જેક્ટના 64 ક્રેડિટ ગુણ સાથે કુલ ક્રેટિડ ગુણ 68 છે.જ્યારે ચોથા વર્ષમાં 92 ક્રેડિટ ગુણ ઈન્ટર્નશિપ સાથે છે.
વિદ્યાર્થીઓમાં મૂંઝવણ
જો કે, ઘણી યુનિ.ઓમાં હજુ સુધી ઈન્ટર્નશિપને લઈને કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ફરિયાદ છે કે યુનિ.દ્વારા આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. બીજી બાજુ વિદ્યાર્થીઓને પણ ખબર નથી ક્યાં ઈન્ટર્નશિપ કરવી. વિદ્યાર્થીઓને યુનિ-કોલેજે ઈન્ટર્નશિપ માટે ગાઇડ કરવાના હોય છે અને ઈન્ટર્નશિપનું આયોજન કરી આપવાનું હોય છે. જે માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ ઈન્ડસ્ટ્રી-કંપની સાથે જોડાણ કરવાનું હોય છે પરંતુ આ માટેનું કોઈ પૂરતું આયોજન ન થયુ હોવાની ફરિયાદ ઉઠી છે.

