Get The App

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ BBA-BCAમાં ફી વધારો મંજૂર કર્યો, ફી કમિટી માત્ર કાગળ પર

Updated: Dec 14th, 2024

GS TEAM


Google News
Google News
Gujarat University


Fees Increased In BBA-BCA At Gujarat University: ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ખાનગી બીબીએ-બીસીએ કૉલેજોએ ફી વધારા માટે યુનિવર્સિટીને દરખાસ્ત કરી હતી આ દરખાસ્તને તાજેતરમાં મળેલી બોર્ડ મીટિંગ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મૂકવામાં આવી હતી. જેમાં કુલપતિએ કૉલેજોને 2500 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય કરી દીધો હતો. પરંતુ રાજ્ય સરકારના કોમન યુનિવર્સિટી ઍક્ટમાં ફરજિયાત ફી રેગ્યુલેશન કમિટી બનાવાવની અને તેના આધારે ફી નક્કી કરવાની જોગવાઈ કરાઈ છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં ફી કમિટી માત્ર કાગળ પર જ હોવાની ફરિયાદો ઊઠી છે. ફી કમિટી પહેલાં જ યુનિવર્સિટીના કુલપતિએ ફી વધારાનો નિર્ણય લઈ લીધો હોવાની ફરિયાદો ઊઠી છે.

કાઉન્સિલની મીટિંગમાં કુલપતિએ કૉલેજોની ફી વધારવા મંજૂરી આપી 

બીબીએ અને બીસીએ કૉલેજોએ કોર્સના નામ બદલીને બીએસ અને બીએમ કરી દીધા છે. ત્યારે આ નવા ચાર વર્ષના ડિગ્રી કોર્સ પ્રમાણે કૉલેજોના સંચાલકોએ યુનિ.ને ફી વધારો કરવાની દરખાસ્ત કરી હતી. સંચાલકોએ જીટીયુની જેમ કૉલેજોને સત્ર દીઠ 16 હજાર સુધીની ફી આપવાની પણ દરખાસ્ત કરી હતી. હાલ યુનિવર્સિટી સંલગ્ન 20થી વધુ ખાનગી બીબીએ-બીસીએ કૉલેજો છે અને જેમાં સેમેસ્ટર દીઠ 11 હજાર ફી છે. 2016 બાદ ફી વધારો થયો ન હોવાથી કૉલેજોએ ફી વધારો માંગ્યો છે. 

આ પણ વાંચો: ઉત્તરાયણ પછી ગુજરાતમાં ગમે તે ઘડીએ પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે, રાજકીય પક્ષોમાં ધમધમાટ


કૉલેજોની ફી વધારાની દરખાસ્તને ઈસી-બોર્ડ મીટિંગમાં ચર્ચા માટે મૂકાઈ હતી અને નિયમ મુજબ ફી વધારાનો ઓર્ડર ફી કમિટી દ્વારા થવો જોઈએ. પરંતુ ફી કમિટી પહેલા જ ઈસી-બોર્ડ મીટિંગમાં 2500 રૂપિયા ફી વધારો આપવાનો નિર્ણય લઈ લેવાયો છે. એટલે કે સત્ર દીઠ 20 ટકાથી વધુ વર્ષ દીઠ 40 ટકાથી વધુ ફી વધારો મંજૂર કરી દેવાયો છે. બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા બોર્ડ-ઈસી મીટિંગ બાદ ઍક્ટની જોગવાઈ મુજબની નવી ફી કમિટી પણ રચવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે નિવૃત્ત જજને નિમવામાં આવ્યા છે અને સીએ તેમજ યુનિવર્સિટીના વિભાગીય વડાથી માંડી શિક્ષણવિદ સહિતના અન્ય પાંચ સભ્યો પણ કમિટીમાં નિમાયા છે.

મળતી માહિતી અનુસાર, હજુ સુધી આ નવી ફી કમિટીની મીટિંગ જ મળી નથી. ફી કમિટીમાં બીબીએ-બીસીએ કૉલેજોના ફી વધારાને લઈને પ્રક્રિયા થાય તે પહેલાં જ યુનિ. દ્વારા સૈદ્ધાંતિક મંજૂરીના નામે 2500 રૂપિયા સુધીનો ફી વધારો કરવાનો નિર્ણય લઈ લેવાતાં હાલ અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે અને આ મુદ્દે અનેક ફરિયાદો ઊઠી છે. નિયમ મુજબ સીએ સભ્ય દ્વારા કૉલેજોના હિસાબોને તપાસીને કેટલો ફી વધારો આપવો તે નક્કી કરવામાં આવે છે. પરંતુ ફી કમિટી ફી નિર્ધારણની પ્રક્રિયા કરે તે પહેલા 2500 રૂપિયા સુધી ફી વધારો આપવો તેવું કઈ રીતે નક્કી કરી દેવાયું તે મોટો પ્રશ્ન છે. ઈસી-બોર્ડ મીટિંગમાં પણ આડેધડ નિર્ણયો લઈ લેવાતા હોવાની ફરિયાદો ઊઠી છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ BBA-BCAમાં ફી વધારો મંજૂર કર્યો, ફી કમિટી માત્ર કાગળ પર 2 - image

Tags :